Site icon Revoi.in

અમદાવાદમાં શહેર કોંગ્રેસ દ્વારા 48માંથી 40 વોર્ડમાં બે-બે વોર્ડ પ્રમુખો નિમાયા, 28ને રિપીટ કરાયા

Social Share

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે જ અમદાવાદ શહેર કોંગ્રેસના માળખામાં ફેરફાર કરીને  શહેરના 48 વોર્ડમાંથી 40 વોર્ડમાં બે-બે વોર્ડ પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. જેમાંથી 28 વોર્ડ પ્રમુખને રિપીટ કરાયા છે. જ્યારે અન્યને શહેરમાં અન્ય હોદ્દા આપવામાં આવ્યા છે. આવનારી ચૂંટણીમાં માઈક્રો લેવલે અસરકારક કામગીરી થઈ શકે તે માટે શહેરના સંગઠનમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યો છે. તેમ અમદાવાદના શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં 18 વિધાનસભા અને ત્રણ લોકસભાના વિસ્તાર જોડાયેલા છે. અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ વિધાનસભામાંથી કોંગ્રેસના જે પણ આગેવાનો સક્રિય હતા, તેમનો સંગઠનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શહેરના સંગઠન બાબતે ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, પ્રદેશ આગેવાન તથા પૂર્વ પ્રમુખો સાથે ચર્ચા વિચારણા કરી કોંગ્રેસ દ્વારા શહેરના 48 વોર્ડમાંથી 40 વોર્ડમાં બે-બે પ્રમુખ મૂકવામાં આવ્યા છે. મોટાભાગે જે વોર્ડમાં 100થી વધુ બુથ હતા. તે વિધાનસભાના વિસ્તારમાં બે પ્રમુખ મૂકવામાં આવ્યા છે. શહેર કોંગ્રેસમાં  322 હોદ્દેદારોનો સમાવેશ કરી શહેરનું માળખું બનાવવામાં આવ્યું છે. જેમાં 1 ખજાનચી, 12 પ્રવકતા, 77 ઉપપ્રમુખ, 131 મહામંત્રી, 102 મંત્રીઓ સાથેનું જમ્બો માળખું જાહેર કરવામાં આવ્યું છે. 48 વોર્ડમાંથી 28 વોર્ડ પ્રમુખને સંગઠનમાં રિપીટ કરવામાં આવ્યા છે. માઈક્રો લેવલે અસરકારક કામગીરી માટે એક વોર્ડમાં બે વોર્ડ પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. જુના વોર્ડ પ્રમુખનો શહેર કોંગ્રેસ સમિતિમાં સમાવેશ કરાયો છે. યુથ કોંગ્રેસના આગેવાનો અને યુવાનોનો અમદાવાદ શહેર કોંગ્રેસના સંગઠનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.