Site icon Revoi.in

અર્બન નક્સલ ગૌતમ નવલખાની અરજી પર સુનાવણીથી અલગ થયા CJI ગોગોઈ, કહ્યુ- કોઈ અન્ય ખંડપીઠ કરે સુનાવણી

Social Share

ભીમા કોરેગાંવ મામલામાં આરોપી અર્બન નક્સલી ગૌતમ નવલખાની અરજી પર સુનાવણીથી મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ ખુદને અલગ કરી લીધા છે. ભીમા કોરેગાંવ હિંસા મામલામાં આરોપી ગૌતમ નવલખા ખુદને સામાજીક કાર્યકર્તા ગણાવે છે. મહત્વપૂર્ણ છે કે બોમ્બે હાઈકોર્ટે નવલખા પર નોંધવામાં આવેલી એફઆઈઆર રદ્દ કરવાનો ઈન્કાર કર્યો હતો. તેના પછી તેણે આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હવે મુખ્ય ન્યાયાધીશ ગોગોઈએ કહ્યુ છે કે આ મામલાને તે ખંડપીઠ સમક્ષ યાદીબદ્ધ કરવામાં આવે, જે ખંડપીઠમાં તેઓ સામેલ હોય નહીં.

13 સપ્ટેમ્બરે હાઈકોર્ટે ગૌતમ નવલખાને 2 સપ્તાહ સુધીની ધરપકડમાંથી રાહત આપી હતી. આ સમયગાળામાં તેમની પાસે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો વિકલ્પ હતો. સોમવારે સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ મામલા પર સુનાવણી કરવાની હતી. પુણે પોલીસની એફઆઈઆરમાં ગૌતમ નવલખા અને નક્સલીઓ વચ્ચે સાંઠગાંઠની વાત કહી છે. આ મામલાને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ. એ. બોબડે અને જસ્ટિસ એસ. અબ્દુલ નજીરની ખંડપીઠ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્ર સરકારે અનુરોધ કર્યો હતો કે આના સંદર્ભે કોઈપણ પ્રકારના આદેશને પારીત કરતા પહેલા તેની વાતને સાંભળવી જોઈએ. હાઈકોર્ટે ગૌતમ નવલખા વિરુદ્ધ નોંધવામાં આવેલી એફઆઈઆર રદ્દ કરવાનો ઈન્કાર કરતા આને ગંભીર મામલો ગણાવ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે આ મામલામાં વિગતવાર તપાસની જરૂરત છે. અર્બન નક્સલીઓએ અલ્ગાર પરિષદનું આયોજન કર્યું હતું. તેના પછી ભીમા કોરેગાંવમાં હિંસા ભડકી ગઈ હતી. પોલીસે કહ્યું છે કે ગૌતમ નવલખા અને અન્ય આરોપીઓએ સરકાર પાડવાનું ષડયંત્ર કર્યું હતું.

નવલખા સહીત અન્ય આરોપીઓ પર યુએપીએ હેઠળ કાર્યવાહી કરાઈ રહી છે. સુધા ભારદ્વાજ , વરવરા રાવ, અરુણ ફરેરા અને વેર્નોન ગોન્સાલ્વિસ આ મામલાના અન્ય આરોપીઓ છે. આ તમામ અર્બન નક્સલીઓ વિરુદ્ધ હિંસા ભડકાવવાનો મામલો ચાલી રહ્યો છે.