Site icon Revoi.in

વડોદરા શહેરમાં ચેમાસાના આગમન પહેલા પ્રિ-મોન્સુનની કામગીરીનો પ્રારંભ

Social Share

વડોદરાઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની માફક પ્રિ-મોનસુનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં મેન હોલ, કેચપીટ, વરસાદી ચેનલ અને કાંસની 50 ટકા જેટલી કામગીરી પૂરી થઈ ગઈ છે અને આગામી દોઢ  મહિનામાં તમામ કાર્ય પૂરું કરી દેવામાં આવશે, એવો વીએમસીના સત્તાધિશોએ દાવો કરતા જણાવ્યું હતું કે, શહેરના જે વિસ્તારમાં ચોમાસાના પાણી ભરાય છે ત્યાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોર્પોરેટિંગ વેલનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. જેના કારણે અગાઉ કલાકો સુધી વરસાદી પાણી ભરાઈ રહેતા હતા તે હવે ઝડપભેર ઉતરી જાય છે. આ વખતના મ્યુનિ.ના બજેટમાં પરકોલેટીંગ વેલ અને વોટર હાર્વેસ્ટિંગના કામો હાથ પર લીધા છે અને શહેરના જે વિસ્તારોમાં વોટર લોગિંગના પ્રશ્નો છે ત્યાં આના કામો કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા શહેરમાં મ્યુનિ.દ્વારા પ્રિ-માનસુનના કામો શરૂ કરી દેવામાં આવ્યા છે. ચોમાસાના આગમનને હવે દોઢ મહિનો બાકી છે. ત્યારે તમામ કામો વરસાદ પહેલા પૂર્ણ કરી દેવામાં આવશે. શહેરમાં દર વર્ષે ચોમાસામાં હાઇવે તરફથી વરસાદી પાણી આવતા પૂર્વ વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ ઉભી થાય છે તેને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં વરસાદી ચેનલો અને કાસની સફાઈ પણ શરૂ કરી દેવામાં આવી છે. જોકે  મ્યુનિ. કોર્પોરેશન, વુડા, સિંચાઈ વિભાગ દ્વારા સંયુક્ત પણે હાઇવેનું પાણી શહેરની બહારથી જ ડાઈવર્ટ કરી દેવા જે આયોજન હાથ ધરવામાં આવ્યું છે તેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. શહેરમાં 41 હજારથી વધુ મેન હોલમાંથી આશરે 25 હજારની સફાઈ થઈ ચૂકી છે. અંદાજે 33,000 કેચપીટમાંથી 8,100 સાફ કરવામાં આવ્યા છે. વરસાદી કાસની 23% અને ચેનલની 45% કામગીરી પૂરી થઈ ચૂકી છે. હજુ બે દિવસ પહેલા વડોદરામાં રી ઇમેજિંગ વડોદરા કાર્ય શિબિર યોજાઈ હતી .જેમાં રાજમાતા એ પણ ટકોર કરી હતી કે વડોદરાના તળાવો અને નદી કચરાથી ગંદા થઈ ગયા છે. આ ટકોરને ધ્યાનમાં રાખીને મ્યુનિ.ના સત્તાધિશોએ લોકોને તળાવો કે નદીમાં કચરો ન ફેકવા અપિલ કરી છે.

Exit mobile version