Site icon Revoi.in

અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર આગામી 6 મહિના ભારે વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ

Social Share

અમદાવાદ, 18 જુલાઈ 2026: ગુજરાતના સૌથી વ્યસ્ત અને વીઆઈપી ગણાતા અમદાવાદ-ગાંધીનગર એસ.જી. હાઇવે પર મુસાફરી કરતા વાહનચાલકો માટે આગામી ૬ મહિના ભારે કસોટીપૂર્ણ રહેવાના છે. હાઇવે પર નર્મદા કેનાલ ક્રોસિંગ નજીક ટ્રાફિકની ગીચતા ઘટાડવા માટે સરકાર દ્વારા 32 કરોડના ખર્ચે નવો ફોર-લેન એટલે કે ચાર માર્ગીય રોડ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. હાલ આ જગ્યાએ ડાયવર્ઝન પ્રોજેક્ટની સિવિલ કામગીરી ખૂબ જ મોટા પાયે ચાલી રહી છે, જેના કારણે રોડની પહોળાઈ કામચલાઉ ધોરણે ઘણી ઘટી ગઈ છે. બાંધકામની આ સાઇટ પર તોતિંગ ક્રેન્સ અને જેસીબી મશીનો સતત કાર્યરત હોવાથી સવાર-સાંજ અકસ્માત થવાનો ભારે ભય રહે છે, જેથી ટ્રાફિક વ્યવસ્થા જાળવવા વહીવટી તંત્ર સક્રિય થયું છે.

હારે વાહનોના કારણે કિલોમીટરો લાંબો ટ્રાફિકજામ ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ અને માર્ગ-મકાન વિભાગે મોટો નિર્ણય લીધો છે. નવા જાહેરનામા અનુસાર, અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલથી લઈને ગાંધીનગરના ચ-૦ સર્કલ સુધીના મુખ્ય હાઇવે પર સવારના 7 વાગ્યાથી લઈને રાતના 11 વાગ્યા સુધી તમામ ભારે કમર્શિયલ વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 15 જાન્યુઆરી, 2027 સુધી એટલે કે આગામી 6 મહિના સુધી સતત અમલમાં રહેશે અને ભારે વાહનોને સિટીની બહારના રીંગ રોડ પર ડાયવર્ટ કરવા માટેના વૈકલ્પિક રૂટ ફરજિયાત બનાવવામાં આવ્યા છે.

જોકે, સ્થાનિક અહેવાલો મુજબ, પ્રતિબંધનો આદેશ લાગુ થઈ ગયો હોવા છતાં, ગ્રાઉન્ડ લેવલ પર હજુ પણ કડક અમલવારીનો મોટો અભાવ જોવા મળી રહ્યો છે અને અનેક ભારે ટ્રકો હજુ પણ નો-એન્ટ્રીના સમયે હાઇવે પર ઘૂસી રહી છે, જેને કારણે નાની કાર અને ટુ-વ્હીલર ચાલકો કલાકો સુધી જામમાં ફસાય છે. ટ્રાફિક પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં વૈષ્ણોદેવી સર્કલ પર પોલીસ પોઇન્ટ્સ વધારીને આ નિયમનો ભંગ કરનારા તમામ ટ્રક ચાલકો અને ટ્રાન્સપોર્ટરો સામે આકરી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને નિયમ તોડતા વાહનો ડિટેઈન કરવામાં આવશે.

Exit mobile version