Site icon Revoi.in

અદાલતી ચુકાદાઓમાં એઆઈના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ, માત્ર વહીવટી કામમાં જ મળશે છૂટ

Social Share

અમદાવાદ, 5 એપ્રિલ 2026: ગુજરાત હાઈકોર્ટે રાજ્યની ન્યાયિક પ્રણાલીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ના ઉપયોગ અંગે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નીતિ જાહેર કરી છે. હાઈકોર્ટના રજિસ્ટ્રી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા લેટેસ્ટ પરિપત્ર અનુસાર, હવે રાજ્યની કોઈ પણ અદાલતમાં ચુકાદા લખવા, પુરાવાનું મૂલ્યાંકન કરવા કે ન્યાયિક નિર્ણય લેવા જેવી મુખ્ય પ્રક્રિયાઓમાં એઆઈનો ઉપયોગ કરવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે.

હાઈકોર્ટના આ કડક વલણ પાછળનું મુખ્ય કારણ એઆઈ દ્વારા આવી શકતા ભૂલભર્યા અને ભેદભાવભર્યા પરિણામોની શક્યતા છે. તાજેતરમાં એવા કેટલાક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા જેમાં ચુકાદાઓ તૈયાર કરવા માટે એઆઈ સાધનોનો સહારો લેવાઈ રહ્યો હતો. ન્યાયિક પ્રક્રિયામાં સર્જાતી આવી ગંભીર ખામીઓ અને જોખમોને ટાળવા માટે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, ન્યાયિક કાર્યોમાં માનવીય અનુભવ અને વિવેકબુદ્ધિનું સ્થાન ટેકનોલોજી ક્યારેય લઈ શકે નહીં. આ પ્રતિબંધ તમામ જ્યુડિશિયલ ઓફિસર્સ અને અદાલતી કર્મચારીઓને સમાન રીતે લાગુ પડશે.

જોકે, હાઈકોર્ટે એઆઈના ઉપયોગ પર સાવ ‘નો એન્ટ્રી’ નથી ભણી, પરંતુ તેનો વ્યાપ મર્યાદિત કરી દીધો છે. અદાલતોમાં એઆઈનો ઉપયોગ માત્ર નીચે મુજબના સહાયક કાર્યો માટે જ કરી શકાશે. રાજ્યની અદાલતોમાં કાયદાકીય સંદર્ભો અને કેસ સ્ટડીઝ શોધવા માટે, દસ્તાવેજોના એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ માટે તથા ડેટા વિશ્લેષણ અને ઓફિસ મેનેજમેન્ટ જેવી એડમિનિસ્ટ્રેટિવ સહાય માટે એઆઈનો ઉપયોગ કરી શકાશે.

પરિપત્રમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે ટેકનોલોજી એક મદદગાર સાધન તરીકે ઉપયોગી છે, પરંતુ તે ન્યાયિક નિર્ણય લેવાની પ્રક્રિયામાં સીધો હસ્તક્ષેપ કરી શકે નહીં. ન્યાયિક ચુકાદાની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાને રાખીને લેવાયેલો આ નિર્ણય ભવિષ્યમાં ન્યાયતંત્રની ગુણવત્તા, સચોટતા અને વિશ્વસનીયતા જાળવી રાખવા માટે માઈલસ્ટોન સાબિત થશે. ગુજરાત હાઈકોર્ટની આ પહેલ અન્ય રાજ્યોની અદાલતો માટે પણ એક દિશાસૂચક માર્ગ બની રહેશે.

વધુ વાંચો: કચ્છની દરિયાઈ સરહદે હાઈ-એલર્ટ: મરીન કમાન્ડોનું સઘન પેટ્રોલિંગ

Exit mobile version