Site icon Revoi.in

ભાજપ સરકાર સામે કોંગ્રેસનું આરોપનામું, 36 પેજની ચાર્જશીટમાં સરકારની નિષ્ફળતા ઉજાગર કરી

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની જાહેર થયા બાદ હવે ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યુ છે. સાથે જ એકબીજા પર આક્ષેપોનો મારો પણ ચાલી રહ્યો છે. કોંગ્રેસે આજે ભાજપ સરકાર પર 21 મુદ્દાનું તહોમતનામું જાહેર કર્યું હતું. કોંગ્રેસ દ્વારા ભાજપના વિકાસના નામે કરવામાં આવેલા ભ્રષ્ટાચારોની 21 જેટલા મુદ્દાની એક ચાર્જશીટ પ્રજા સમક્ષ રજૂ કરી છે. તેમાં પણ બેરોજગારી, આરોગ્ય, બોટાદ લઠ્ઠાકાંડ, મોરબી દુર્ઘટના અને ભરતી કાંડ, પેપર લીક કાંડના સહિતના પાંચ વર્ષની ભાજપ સરકાર સામે વિવિધ મુદ્દાનું આરોપનામું પ્રજા સામે મૂકવામાં આવ્યું છે.

કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીએ 20 મુદ્દાનું ભાજપ સરકાર સામે આરોપનામું રજૂ કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપ સામે તહોમતનામું લઈને અમે આવ્યા છીએ. ભાજપની નીતિ ગુમરાહ કરવાની, લોકોને મુખ્ય મુદ્દાથી ભટકાવવાની છે. લોકોને પ્રાથમિક સુવિધાઓ શિક્ષણ, આરોગ્ય, આવક, ધ્યાન ભટકાવે છે. રૂપાણીનું સિંગલ એન્જિન બગડ્યું એટલે ભૂપેન્દ્ર પટેલને લાવ્યા છે. ગુજરાત એક વિકાસશીલ રાજ્ય છે, કોંગ્રેસને શાસન આપ્યું અને વિકાસ થયો છે. નાના અને મોટા બધા જ ઉદ્યોગો અને જીઆઈડીસી પણ કોંગ્રેસના સમયમાં સ્થપાઈ હતી.

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, ભાજપે સરકારે પોતાના અંગત સ્વાર્થ માટે લોકોનું શોષણ શરૂ કર્યું. ગુજરાતનો ડાયમંડ, ટેક્સસ્ટાઇલ, તમામ ઉદ્યોગો પડી ભાગ્યા છે. 4 લાખ કરોડ સુધી ગુજરાતનું દેવું પહોચી ગયું છે. “ન્યુ નોર્મલ થિયરી”ની પદ્ધતિ સાથે ભાજપ કામગીરી કરી રહી છે. એકની એક વાત વારંવાર રજૂ કરીને લોકોને છેતરવામાં આવે છે. પેટ્રોલ ડીઝલના ભાવ રૂ.65થી વધીને 100 સુધી પહોંચી ગયા. લોકો ટેવાઇ જાય એવી થિયરીનો ઉપયોગ કરીને ભાજપ જીત મેળવી રહી છે. હેપીનેસ ઇન્ડેક્સનો સમાવેશ અમારા કોંગ્રેસ મેનિફેસ્ટોમાં હશે. રૂ.23000માં હું કોંગ્રેસમાં સરકારી શાળામાં એન્જિનિયર બની ગયો. સામાન્ય નાગરિકોનો વિકાસ થવો જોઈએ, મૂડીપતિ વધુ પૈસાવાળા થતાં રહ્યા છે. અંગ્રેજો કરતાં પણ વધુ હોશિયાર ભાજપના લોકો છે, ફરિયાદ નોંધતા જ નથી, એટલે ક્રાઈમ રેટ ઓછો દેખાડે છે.

દરમિયાન રાજકોટમાં અર્જુન મોઢવાડીયાએ ગુજરાત ભાજપ સરકાર સામે કોંગ્રેસે તોહમતનામું રજૂ કરતા જણાવ્યુ હતું કે, 1960 થી 95 સુધી કોંગ્રેસની સરકાર હતી. પ્રાથમિક શાળાઓ કોલેજો કોંગ્રેસે બનાવી, પણ ભાજપે 6 હજાર શાળાઓ બંધ કરી અને એકપણ નવી બનાવી નથી. ગુજરાતમાં સરકારી દવાખાના પણ કોંગ્રેસે બનાવ્યા પણ ભાજપે એક પણ બનાવ્યા નથી. રાજ્યમાં પાણીના ડેમો પણ કોંગ્રેસે બનાવ્યા, પણ ભાજપે કંઈ કર્યું નથી.

મોઢવાડીયાએ વધુમાં જણાવ્યું હતું કે, નર્મદા યોજનાનું કામ કોગ્રેસ કર્યું. એસટી ડેપો કોંગ્રેસે બનાવ્યા, પણ ભાજપે વેચવાનું કામ કર્યું છે. બંદરો પણ કોંગ્રેસે બનાવ્યા, પણ ભાજપે દરિયા કાંઠો વેચવાનું કામ કર્યું છે. હાલ ગુજરાતની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. માથાદીઠ આવકમાં ગુજરાતનું સ્થાન પ્રથમના બદલે છઠ્ઠા ક્રમે છે. ગુજરાતમાં 31.5 લાખ પરિવાર ગરીબી રેખા હેઠળ જીવે છે. ગુજરાતની 6.4 કરોડની વસ્તીને ધ્યાનમાં લેતા પ્રત્યેક ગુજરાતી પર 63 હજારનું દેવું છે. 27 વર્ષમાં ભાજપ ગુજરાતને અધોગતિ તરફ લઈ ગયો છે.