નવી દિલ્હીઃ જી-20ની બેઠક 9-10 સપ્ટેમ્બર વચ્ચે દિલ્હીના પ્રગતિ મેદાનમાં યોજાવા જઈ રહી છે. આ બેઠકના ડિનરમાં હાજરી આપવા માટે રાષ્ટ્રપતિ ભવન તરફથી આમંત્રણ કાર્ડ મોકલવામાં આવ્યું છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે આરોપ લગાવ્યો છે કે, આમંત્રણ કાર્ડ પર President Of Indiaના બદલે President Of Bharat લખવામાં આવ્યું છે. કોંગ્રેસ નેતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ‘આ સમાચાર ખરેખર સાચા છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા 9મી સપ્ટેમ્બરે G20 ડિનર માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જેમાં ઈન્ડિયાને બદલે ભારત લખવામાં આવ્યું છે.
જયરામ રમેશે આગળ લખ્યું કે, બંધારણના અનુચ્છેદ 1 મુજબ, ઈન્ડિયા જેને ભારત કહેવામાં આવે છે તે રાજ્યોનું સંઘ હશે, પરંતુ હવે રાજ્યોના આ સંઘ પર પણ હુમલો થઈ રહ્યો છે. આ અંગે પ્રતિક્રિયા આપતા રાઘવ ચઢ્ઢાએ પણ ટ્વીટ કર્યું છે કે, ભાજપે G20 કોન્ફરન્સના આમંત્રણ કાર્ડ પર પ્રેસેડન્ટ ઓફ ઈન્ડિયાના બદલે પ્રેસિડન્ટ ઓફ ભારત લખીને ભાજપએ નવી ચર્ચાઓ શરૂ કરી છે. ભાજપ ઈન્ડિયાને કેવી રીતે બરબાદ કરી શકે? દેશ કોઈ રાજકીય પક્ષનો નથી; તે 135 કરોડ ભારતીયોનો છે. આપણી રાષ્ટ્રીય ઓળખ ભાજપની ખાનગી મિલકત નથી જેને તે ઈચ્છે તેમ બદલી શકે.
જયરામ રમેશના ટ્વીટના અડધા કલાક પછી આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ પણ એક ટ્વિટ કર્યું. જેમાં તેણે લખ્યું છે કે, રિપબ્લિક ઓફ ઈન્ડિયા – ખુશી અને ગર્વ અનુભવી રહ્યો છું. આપણી સભ્યતા ઝડપથી અમરત્વ તરફ આગળ વધી રહી છે.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, I.N.D.I.A નામનું ગઠબંધન બનાવ્યા બાદ તેઓ દેશનું નામ બદલી રહ્યા છે. જો ઈન્ડિયા એલાયન્સ આવતીકાલે મીટિંગ કરે અને તેનું નામ બદલીને ભારત રાખે, તો શું તેઓ ભારતનું નામ પણ બદલી દેશે અને શું તેઓ ભારતનું નામ બદલીને ભાજપ રાખશે?
કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, તેમને દરેક બાબતમાં સમસ્યા છે અને મને નથી. હું એક ‘ભારતીય’ છું, મારા દેશનું નામ ‘ભારત’ હતું અને હંમેશા ‘ભારત’ જ રહેશે. જો કોંગ્રેસને આનાથી કોઈ સમસ્યા હોય તો તેણે જાતે જ તેનો ઉકેલ શોધવો જોઈએ.
બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે કહ્યું, ભારત બોલવામાં કે લખવામાં સમસ્યા કેમ છે? શા માટે શરમ અનુભવો છો? આપણા રાષ્ટ્રને પ્રાચીન સમયથી ભારત કહેવામાં આવે છે અને તેનો ઉલ્લેખ આપણા બંધારણમાં પણ કરવામાં આવ્યો છે. તેઓ કોઈપણ કારણ વગર ગેરસમજ ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.