Site icon Revoi.in

લોકસભા ચૂંટણી: કોંગ્રેસે જાહેર કર્યું 15 ઉમેદવારોનું લિસ્ટ, સોનિયા ગાંધી રાયબરેલીથી અને રાહુલ ગાંધી અમેઠીથી કરશે ઉમેદવારી

Social Share

કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી સહીતના 15 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ચાર ઉમેદવારો ગુજરાતની લોકસભા બેઠકના અને 11 ઉમેદવારો ઉત્તરપ્રદેશની લોકસભા બેઠક માટેના છે.

આ યાદી પ્રમાણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીથી અને કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડવાના છે. તેની સાથે જ સોનિયા ગાંધી લોકસભાની ચૂંટણી નહીં લડવાના હોવાની અટકળબાજી પર પૂર્ણવિરામ લાગી ગયું છે.

તો ગુજરાતની ચાર લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ-પશ્ચિમ (એસસી)થી રાજૂ પરમાર, આણંદથી ભરતસિંહ સોલંકી, વડોદરાથી પ્રશાંત પટેલ અને છોટાઉદેપુર (એસટી)થી રંજીત મોહનસિંહ રાઠવાને કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.

યુપીમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સિવાય સહારનપુરથી ઈમરાન મસૂદ અને બદાયૂંથી સલીમ ઈકબાલ શેરવાનીને કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે. તો ધૌરહરા બેઠક પરથી જિતિન પ્રસાદ, ઉન્નાવથી અન્નૂ ટંડન, ફર્રુખાબાદથી સલમાન ખુર્શિદ, અકબરપુરથી રાજરામ પાલ, જાલૌનથી બૃજલાલ ખબરી, ફઝાબાદથી નિર્મલ ખત્રી અને કુશીનગરથી આરપીએન સિંહને કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યા છે. જાલૌન બેઠક અનામત છે.