Site icon Revoi.in

ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનની કચેરીમાં કોંગ્રેસે મેયરની ઓફિસને તાળું મારીને કર્યો વિરોધ

Social Share

ગાંધીનગરઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનની મંગળવારે સામાન્ય સભા શરૂ થતાં પહેલાં જ કોંગ્રેસના કાર્યકરોએ ભારે સૂત્રોચારો સાથે હોબાળો મચાવી તોડફોડ કરીને મેયરની કચેરીને તાળાબંધી કરી હતી. જેનાં પગલે મામલો ગરમાતા પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હતા. આ ઘટનાના પગલે ખુદ જિલ્લા કલેકટર ડો. કુલદીપ આર્ય પણ મ્યુનિ,કોર્પોરેશનની કચેરીએ દોડી આવ્યા હતા.

ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભા મળે એ પહેલાં જ કોંગ્રેસ દ્વારા મ્યુનિ.ની કચેરી ખાતે મેયરની ઓફિસને બાનમાં લઈને ભારે તોડફોડ કરી તાળાબંધી કરી હતી. વરસાદી સીઝનમાં શહેરના ઠેર ઠેર રોડ રસ્તા તૂટી ગયા છે. અને શહેર ખાડા-ભૂવા નગરીમાં ફેરવાઈ જતાં નાગરિકો પારાવાર મુશ્કેલીનો સામનો વેઠી રહ્યા છે. જેનાં વિરોધમાં કોંગ્રેસનાં કોર્પોરેટર અંકિત બારોટ સહિત કાર્યકરોએ મેયર કચેરીએ હલ્લાંબોલ કરીને ગાંધીનગર ખાડાનગરી, ભૂવા નગરીના બેનરો સાથે ભારે સૂત્રોચાર કરાયો હતો.

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં નવા ઉમેરાયેલા ગ્રામ્ય વિસ્તારમાં કોર્પોરેટરોની ગ્રાન્ટ વાપરવા પણ પદાધિકારીઓના સૂચનના નિર્ણયનો પણ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. મ્યુનિની સ્થાયી સમિતિએ મંજૂર કરેલી વિવિધ નવ જેટલી દરખાસ્ત ઉપર સામાન્ય સભા મળવાની હતી. જેમાં ટીપી સ્કીમ અને અન્ય દરખાસ્તો ઉપર નિર્ણય લેવાનો હતો. એ પહેલાં જ કોંગ્રેસે મેયર કચેરીને તાળાબંધી કરી દીધી હતી. જેનાં પગલે પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હતું. તેમ છતાં કોંગ્રેસે આક્રમક વલણ અપનાવીને લોખંડની જાળી પણ તોડી નાખી હતી. મેયર કચેરીનું બોર્ડ તોડી પાડી પગ નીચે કચડી નાખવામાં આવ્યું હતું.

આ અંગે કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટે જણાવ્યું હતું કે, શહેરમાં દૂષિત પાણી, વરસાદી સિઝનમાં મચ્છરજન્ય રોગચાળો ઉપરાંત ચોમાસામાં ઠેર ઠેર રોડ રસ્તા ધોવાઈ ગયા છે. મનપાનાં અણઘડ વહીવટના કારણે ગાંધીનગર ખાડા અને ભૂવા નગરી બની ગયું છે. જે તે સમયે વૃક્ષોના જતન અર્થે ટ્રી ગાર્ડની માંગણી કરાઈ હતી. હવે ચોમાસું પૂર્ણતાનાં આરે છે ત્યારે મ્યુનિ દ્વારા ટ્રી ગાર્ડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. એના પરથી જ અહીં અંધેર વહીવટ ચાલતો હોય તેવું લાગી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, નવા ઉમેરાયેલા ગ્રામ્ય વિસ્તારમાં કોર્પોરેટરોએ ગ્રાન્ટ વાપરવા પણ પદાધિકારીઓના સૂચન લેવાનો નિર્ણય થોપી દેવામાં આવ્યો છે. જે નિર્ણયનો પણ વિરોધ કરવા એકઠા થયા હતા.