Site icon Revoi.in

કોંગ્રેસનું હવે સૌરાષ્ટ્ર પર ફોકસ, રાહુલ-પ્રિયંકાની સભાઓ યોજાશે, રાજકોટમાં 19મીએ બેઠક મળશે

Social Share

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગાંધીનગરમાં સત્તા મેળવવા માટે સૌરાષ્ટ્રમાંથી વધુ બેઠકો મેળવવી જરૂરી છે. ત્યારે તમામ પક્ષોનું લક્ષ્ય સૌરાષ્ટ્ર પર છે. તાજેતરમાં આમ આદમી પાર્ટીના કેજરિવાલની સભા રાજકોટમાં યોજાઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ મહિનાના છેલ્લા સપ્તાહમાં રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. રાજકોટ નજીક આટકોટમાં હોસ્પિટલનું લોકાર્પણ કરીને જનસભાને સંબોધશે. કોંગ્રેસ દ્વારા પણ સૌરાષ્ટ્રમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની જનસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભે ચર્ચા કરવામાં માટે કોંગ્રેસના નેતાઓની રાજકોટમાં તા. 19મીએ બેઠક મળશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતની વિધાનસભા ચૂંટણીની કોંગ્રેસે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.    તાજેતરમાં ઉદયપુરમાં યોજાયેલી કોંગ્રેસની ચિંતન શિબિરમાં પણ ગુજરાતની ચૂંટણી વિશે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ એકશન પ્લાન તૈયાર થઇ ગયો હોય તેમ આવતા મહિને રાહુલ ગાંધીનો સૌરાષ્ટ્રૃ-ગુજરાતનો કાર્યક્રમ ગોઠવવાની તૈયારી શરુ કરી દેવામાં આવી છે. અને તેના ભાગરુપે રાજકોટમાં 19મીએ સૌરાષ્ટ્રની ઝોન બેઠક બોલાવવામાં આવી છે.

સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ઉદયપુરની કોંગ્રેસની ચિંતન શિબિરમાં ગુજરાતની ચૂંટણીને જ પ્રાયોરીટી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ચૂંટણી પ્રચાર માટે તમામ રાષ્ટ્રીય નેતાઓ ઉપરાંત તમામે તમામ રાજ્યોના નેતાઓને પણ પ્રચાર મેદાનમાં ઉતારવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં અત્યારથી જ પ્રચાર શરુ કરી દેવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ચિંતન શિબિરનાં બીજા જ દિવસથી કોંગ્રેસે તેની તૈયારીઓ આરંભી દીધી હોય તેમ આવતા મહિનામાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની હાજરીમાં રાજ્યમાં ચાર ઝોનમાં સંમેલન યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં રાહુલ કે પ્રિયંકા ગાંધીની સભા માટે તૈયારી શરુ કરવા 19મીએ રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠક બોલાવવામાં આવી છે. હેમુ ગઢવી હોલમાં બપોરે 12 થી સાંજે 5 વાગ્યા સુધી સૌરાષ્ટ્રવ્યાપી બેઠક યોજાશે. જેમાં 1500 થી 2000 આગેવાનો ઉપસ્થિત રહેશે.

સુત્રોએ ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, સૌરાષ્ટ્રના સહપ્રભારી રામકિશન ઓઝા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર,વિપક્ષી નેતા સુખરામ રાઠવા સહિતના તમામ ટોચના નેતાઓ હાજરી આપશે. ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપવા ઉપરાંત રાહુલ ગાંધીની સંભવિત સભા માટેની પણ ચર્ચા-વિચારણા કરવામાં આવશે અને તે માટે સૌરાષ્ટ્રભરના આગેવાનોને નિશ્ચિત જવાબદારી પણ સોંપવામાં આવશે. સૌરાષ્ટ્ર ઝોન ઉપરાંત દક્ષિણ, મધ્ય અને ઉતર ઝોનમાં પણ આ પ્રકારની બેઠક યોજવામાં આવનાર છે. પ્રાથમિક તૈયારી મુજબ રાહુલ ગાંધી અથવા પ્રિયંકા ગાંધી ચારેય ઝોનમાં એક-એક મોટી જાહેરસભા કરશે. સૌરાષ્ટ્ર ઝોનની બેઠક 19મીએ રાખવામાં આવી છે જ્યારે દક્ષિણ ઝોનની બેઠક 21મીએ સુરતમાં, મધ્ય ઝોનની બેઠક 22મીએ વડોદરામાં અને ઉતર ઝોનની બેઠક 23મીએ મહેસાણામાં બોલાવવામાં આવી છે. આ તમામ ઝોન બેઠકોમાં 1500 થી 2000 આગેવાનોને ઉપસ્થિત રાખવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.