Site icon Revoi.in

AMCના બગીચા ખાતા દ્વારા 3.15 કરોડના ખર્ચે 25000 ટ્રી-ગાર્ડ ખરીદશે, બે કંપનીને અપાયો કોન્ટ્રાક્ટ

Social Share

અમદાવાદઃ શહેરમાં ચોમાસાની ઋતુમાં વૃક્ષારોપણ કર્યા બાદ રોપા સાચવવા માટે ટ્રી ગાર્ડની ખરીદી મ્યુનિના બગીચા વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે. ચાલુ વર્ષે પણ એએમસી  દ્વારા જાણીતા માનીતા બે કોન્ટ્રાક્ટરને કુલ 3.15 કરોડના ખર્ચે ટ્રી ગાર્ડ ખરીદવાને રીક્રિએશન કમિટી અને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી દીધી છે. પૂર્વમાં 12,500 અને પશ્ચિમમાં 12,500 એમ કુલ 25,000 ટ્રી ગાર્ડની ખરીદી કરવામાં આવશે. એક ટ્રી ગાર્ડ રૂ.1,292 રૂપિયામાં ખરીદવામાં આવશે. કરોડો રૂપિયાના ટ્રી ગાર્ડની ખરીદી કરવામાં આવે છે, પરંતુ દર વર્ષે તેમાંથી કેટલા ટ્રી ગાર્ડ લગાવવામાં આવે છે, તેનો કોઈ હિસાબ-કિતાબ રાખવામાં આવતો નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા વિભાગ દ્વારા ચાલુ વર્ષે શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં વૃક્ષારોપણ કર્યા બાદ તેના પર ટ્રી ગાર્ડ લગાવવા માટે ટેન્ડર પ્રક્રિયા કરી હતી. જેમાં અગાઉ પણ ટ્રી ગાર્ડ સપ્લાય કરનારી બન્ને કંપની  ક્વોલિફાઇડ થઈ હતી. શહેરમાં ટ્રી ગાર્ડ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે બંને કંપનીઓએ બે વખત વાટાઘાટો કરી હતી. અને બંને કંપનીને એક સરખો જ અંદાજિત ભાવથી એક ટકા ઓછા ભાવે મંજૂર કરવા માટે બગીચા ખાતાના અધિકારીઓએ રીક્રિએશન કમિટીમાં દરખાસ્ત મૂકી હતી.

એએમસીના સૂત્રોએ ઉમેર્યું હતું કે, મ્યુનિ.ના બગીચા ખાતાના અધિકારીએ મુકેલા ટ્રી ગાર્ડના કામને રીક્રિએશન કમિટીના ચેરમેને પણ એકસરખા ભાવ, એકસરખા નેગોસીએશન અને એક સરખા જ અંદાજિત ભાવથી ઓછા ભાવે ટ્રી ગાર્ડ સપ્લાય કરવા અંગે કોઈપણ અભ્યાસ કર્યા વગર જ આ કામને મંજૂરી આપી દીધી હતી. રીક્રિએશન કમિટીની મંજૂરી બાદ સ્ટેન્ડિંગ કમિટીએ પણ તાત્કાલિક ધોરણે આ કામને મંજૂરી આપી દીધી હતી. એક ટ્રી ગાર્ડ 8 કિલોનું રૂ.1292ના ભાવે ખરીદી કરવામાં આવશે. ભૂતકાળમાં પણ આ બંને કંપનીએ ટ્રી ગાર્ડ સપ્લાય કર્યા હતા. ત્યારે બીજી કોઈ કંપની આ ટ્રી ગાર્ડ આ કંપની સિવાય ઓછા ભાવે આપી શકે છે કે કેમ? તે અંગે મ્યુનિ.ના સતાધીશોએ અભ્યાસ કર્યા વગર જ કરોડોના ટ્રી ગાર્ડ મંજૂર પણ કરી દીધા છે. ભૂતકાળમાં ખરીદવામાં આવેલા ટ્રી ગાર્ડમાંથી કેટલા ટ્રી ગાર્ડ ક્યાં લગાવેલા છે અને સંપૂર્ણપણે આ ટ્રી ગાર્ડનો ઉપયોગ થયો છે કે કેમ? તે અંગેની પણ કોઈપણ માહિતી લીધા વિના જ બગીચા ખાતાના કામને મંજૂરી આપી દેવામાં આવતા મ્યુનિ.માં ચર્ચાનો વિષય બન્યો છે.