Site icon Revoi.in

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો,આ રાજ્યોએ લીધો મોટો નિર્ણય  

Social Share

દિલ્હી : દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.દિનપ્રતિદિન પાંચથી છ હજાર લોકો સંક્રમિત જોવા મળી રહ્યા છે.આ સાથે મૃત્યુઆંકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.આ  દરમિયાન રાજ્ય સરકારો દ્વારા ફરી એકવાર સખ્તીની જાહેરાત કરવામાં આવી રહી છે. આ અઠવાડિયે, કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીઓ અને મુખ્ય સચિવો સાથે બેઠક યોજીને રાજ્યોને સતર્ક રહેવા જણાવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશભરની હોસ્પિટલોની સજ્જતાનું મૂલ્યાંકન કરવા માટે 10 અને 11 એપ્રિલના રોજ મોક ડ્રિલની પણ જાહેરાત કરી છે.

કોરોનાના વધતા જતા કેસોને જોતા હરિયાણા, કેરળ અને પુડુચેરીએ માસ્ક ફરજિયાત બનાવ્યા છે. હરિયાણા સરકાર અનુસાર, જાહેર સ્થળોએ માસ્ક પહેરવું ફરજિયાત છે. સરકારે સામાન્ય લોકોને કોરોનાથી બચવા માટે જરૂરી નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે. સરકારે જિલ્લા અને પંચાયત પ્રશાસનને તેના પર નજર રાખવાનો આદેશ આપ્યો છે.

કેરળ સરકારે સગર્ભા સ્ત્રીઓ, વૃદ્ધો અને જીવનશૈલીથી જોડાયેલ બીમારીઓવાળા લોકો માટે પણ માસ્ક ફરજિયાત બનાવ્યા છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે રાજ્યમાં કોવિડ-19ની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજ્યા બાદ જણાવ્યું હતું કે, કોવિડ-સંબંધિત મોટાભાગના મૃત્યુ 60 વર્ષથી વધુ ઉંમરના અને ડાયાબિટીસ જેવા જીવનશૈલીના રોગોથી પીડિત લોકોમાં થાય છે. જ્યોર્જે આરોગ્ય વિભાગને ઓક્સિજનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો પણ નિર્દેશ આપ્યો અને કહ્યું કે ટૂંક સમયમાં ખાનગી હોસ્પિટલોની વિશેષ બેઠક યોજવામાં આવશે.

આ સિવાય પુડુચેરી પ્રશાસને પણ સખ્તી શરૂ કરી દીધી છે. પુડુચેરી પ્રશાસને તાત્કાલિક અસરથી જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. એક નિવેદનમાં, વહીવટીતંત્રે કહ્યું છે કે, હોસ્પિટલો, હોટલ, રેસ્ટોરાં, દારૂની દુકાનો, હોસ્પિટાલિટી અને મનોરંજન ક્ષેત્રો, સરકારી કચેરીઓ અને વ્યવસાયિક સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓ માટે માસ્ક પહેરવાનું ફરજિયાત છે.