અમદાવાદઃ સરકારના ઘણા અધિકારીઓ પોતાની આવક કરતા વધુ સંપત્તી ઘરાવતા હોય છે. આવા અધિકારીઓ ક્યારે ક મુશ્કેલીમાં પણ મુકાતા હોય છે. આવક કરતા વધુ સંપત્તિના કેસમાં સુરતના તત્કાલિન કસ્ટમ એન્ડ સેટ્રલ એક્સાઈઝ ઈન્સ્પેક્ટરને કસૂરવાર ઠેરવી અમદાવાદ ખાતેની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ત્રણ વર્ષની કઠોર જેલની સજા તથા રૂ. 25 હજારના દંડની સજા ફટકારી હતી. આ ઉપરાંત કોર્ટે જપ્ત કરેલા રૂ. 17,64,950 વ્યાજ સાથે સરકારી તિજોરીમાં જમા કરાવવાનો પણ આદેશ કર્યો હતો.
આ કેસની વિગતો એવી હતી કે, તા. 7/7/2011ના રોજ સીબીઆઈએ કસ્ટમ એન્ડ સેન્ટ્રલ એક્સાઈઝ, સુરત-2 ખાતે ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા દેવેન્દ્ર પી. સાંગવાન વિરુધ્ધ આવક કરતાં રૂ. 23,38,172ની વધુ સંપત્તિ અંગે ગુનો નોંધ્યો હતો. જેમાં તપાસની અવધી તા. 1/1/2004થી 8/3/2011ની રાખવામાં આવી હતી અને તપાસના અંતે તેમની સત્તાવાર આવક કરતાં 102.31 ટકા વધુ સંપત્તિ હોવાનું જાણવા મળ્યું હતું. તપાસના અંતે સીબીઆઈ દ્વારા તા. 6/9/2012ના રોજ સીબીઆઈ કોર્ટ સમક્ષ સાંગવાન વિરુધ્ધ ચાર્જશીટ મૂકવામાં આવ્યું હતું અને કોર્ટ કાર્યવાહીના અંતે સાંગવાનને કસૂરવાર ઠેરવી સજા ફરમાવવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, સીબીઆઈએ 7/3/2011ના રોજ સાંગવાન તથા ચાર અન્ય લોકો વિરુધ્ધ કેસ નોંધ્યો હતો જેમાં ખાનગી માણસ તથા સરકારી અધિકારીઓએ ભેગા મળી કાવતરૂ રચી લાંચ લઈ કામ કરવાનું નેટવર્ક ગોઠવ્યું હોવાનો આરોપી મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે સાંગવાનના ઘર સહિતના ઠેકાણાઓ ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં અંદાજીત રૂ. 17,65,950ની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. સીબીઆઈ દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમની ટીમ જ્યારે સાંગવાનના ઘરે સર્ચ કરવા પહોંચી ત્યારે આરોપીએ કેટલીક ચલણી નોટો સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં સાંગવાનની ધરપકડ કરવામાં આવી હતી.