Site icon Revoi.in

દાંતીવાડા: રીંછની પજવણી કરનારા બે શખ્સો ઝડપાયાં

Social Share

પાલનપુર, 6 જાન્યુઆરી 2026 : બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં અબોલ વન્યપ્રાણીની પજવણી કરવાની એક શરમજનક ઘટના સામે આવી છે. મનોરંજનના નામે રીંછને હેરાન કરતા શખ્સોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વન વિભાગે ગણતરીના કલાકોમાં તપાસનો ધમધમાટ તેજ કરી બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે, કેટલાક શખ્સો રાત્રિના સમયે પોતાના વાહનની હેડલાઇટ ચાલુ રાખી ભયભીત થયેલા રીંછનો પીછો કરી રહ્યા હતા. અંધકારમાં તેજ પ્રકાશથી ડરી ગયેલું રીંછ જીવ બચાવવા દોડી રહ્યું હોવા છતાં, આ શખ્સોએ મનોરંજન માટે તેની પાછળ ગાડી દોડાવી તેને સતત પજવ્યું હતું. આ વીડિયો વન વિભાગના ઉચ્ચ અધિકારીઓના ધ્યાન પર આવતા જ તેને ગંભીરતાથી લેવામાં આવ્યો હતો.

વન વિભાગે ટેકનિકલ સર્વેલન્સ અને વીડિયો ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં પજવણી કરનારા બે મુખ્ય શખ્સોની ઓળખ થઈ હતી, જેમને વન વિભાગની ટુકડીએ દબોચી લીધા છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ વન્યપ્રાણીની પજવણી કરવી એ બિનજામીનપાત્ર અને ગંભીર ગુનો છે, જેના અંતર્ગત હવે આ બંને સામે કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃચોખાના ઉત્પાદનમાં ચીનને પછાડી ભારત બન્યું નંબર-1

વન વિભાગે લોકોને અપીલ કરતા જણાવ્યું છે કે, “વન્ય પ્રાણીઓ કુદરતી સંપત્તિ છે. તેમની શાંતિનો ભંગ કરવો કે મનોરંજન માટે તેમને પજવવા તે કાયદાકીય રીતે ગુનો છે. જો કોઈ વ્યક્તિ આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલી જણાશે તો તેને જેલની હવા ખાવાનો વારો આવશે.”

આ પણ વાંચોઃ ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયરે વિજય હજારે ટ્રોફીમાં મુંબઈ વતી રમીને શાનદાર વાપસી કરી

 

 

Exit mobile version