Site icon Revoi.in

કપડવંજના આતરસુંબા નજીક કારે બાઈકને અડફેટે લેતા દૂધ ભરવા જઈ રહેલા પશુપાલકનું મોત

Social Share

કપડવંજઃ તાલુકાના આતરસુંબા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કાભાઈના મુવાડા વિસ્તારમાં કારે મોટરસાયકલને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં દૂધ ભરવા જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે આતરસુંબા પોલીસે ગુનો નોંધી કાર ચાલક સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

આ અકસ્માતના બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે, કપડવંજના આતરસુંબા નજીક આવેલા સોલંકીપુરાના પરબતભાઇ નનાભાઈ સોલંકી મોટર સાયકલ પર સવાર થઈને ઘરેથી દૂધ ભરવા માટે કાભાઈના મુવાડા ગામે જવા નીકળ્યા હતા.  દરમિયાન કાભાઇના મુવાડા ગામના બસ સ્ટેન્ડ પહોચ્યા ત્યારે આતરસુંબા બાજુથી પૂરફાટ ઝડપે આવી રહેલી કારે બાઈકને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઘાયલ થયેલા બાઈકચાલક પર્વતભાઈને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ અકસ્માત મામલે આતરસુંબા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી..

ગુજરાતમાં છેલ્લા પખવાડિયાથી અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં હાઈવે પર બેફામ ગતિએ દોડતા વાહનોને લીધે અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી વાહનોની સંખ્યામાં પણ ખાસ્સો વધારો થયો છે. છેલ્લા ત્રણ દિવસમાં દ્વીચક્રી વાહનોના અકસ્માતો પણ વધ્યા છે. હાઈવે પર હેલ્મેટ પહેરવાના નિયમનું પાલન થતુ નથી. એટલે બાઈકના અકસ્માતમાં ચાલકનું રોડ પર પટકાતા મોટાભાગે માથાના ભાગે વાગવાથી જ મોત નિપજતું હોય છે. ત્યારે હાઈવે પર દ્વીચક્રી વાહનચાલકો માટે ફરજિયાત હેલ્મેટ પહેરવાનું પાલન થાય તે માટે તંત્રએ પણ ઝૂંબેશ ચલાવલાની પણ જરૂર હોવાનું લોકો કહી રહ્યા છે.