Site icon Revoi.in

દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં ઓછા ખેડૂતોના માથે દેવુ

Social Share

અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાઓનો ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. તેમજ ખેડૂતો હાલ દેવામાં ડૂબેલા હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવે છે. બીજી તરફ કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારે ખેડૂતોના દેવા માફીની યોજનાઓ અમલમાં મુકી છે. દરમિયાન દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછા ખેડૂતો દેવાદાર હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં લગભગ 42 ટકા જેટલા ખેડૂતો દેવા હેઠળ દબાયેલા છે.

કેન્દ્રસરકારના નેશનલ સેમ્પલ સર્વે-2019ના જાહેર થયેલાં 77 મા રિપોર્ટમાં જણાવ્યા મુજબ ગુજરાતના ખેડૂતોના શિરે અન્ય રાજ્યોના ખેડૂતો કરતાં ઓછું દેવું રહેલું છે. આંધ્રપ્રદેશમાં 93.2 ટકા ખેડૂતોના શિરે દેવું છે. કેરળમાં 69.90, પંજાબમાં 54.40, હરિયાણામાં 47.50 ટકા અને ગુજરાતમાં 43.50 ટકા ખેડૂતોના માથે દેવુ છે. ગુજરાતમાં વર્ષ-2015ના સર્વે આધારિત સત્તાવાર રીતે નોંધાયેલાં ખેડૂતોની સંખ્યા 53.21 લાખ જેટલી છે. જેની સામે નેશનલ સેમ્પલ સર્વે -2019માં જણાવાયા મુજબ દેવાદાર ખેડૂતોની સંખ્યા 22.61 લાખ છે. જે ટકાવારીની દ્ર્ષ્ટિએ 42.5 ટકા થાય છે.

સર્વેમાં જણાવ્યા મુજબ ખેડૂત દીઠ વાર્ષિક રૂ. 56,568 દેવું હોવાની વિગત પણ અહેવાલમાં દર્શાવવામાં આવી છે. ગુજરાતમાં ભારે વરસાદ સહિતની કુદરતી આફતોમાં સરકાર દ્વારા સર્વે કરીને તેમને નુકશાની વળતર ચુકવી આપવામાં આવે છે. એટલું જ નહીં ખેડૂતોને શૂન્ય ટકા ઉપર ધિરાણ આપવામાં આવતું હોવાના દાવા કરવામાં આવે છે. જેથી અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતના ખેડૂતોના માથે દેવાના ભાર ખુબ ઓછો છે.