Site icon Revoi.in

દિલ્હીના કરોલબાગની હોટલમાં ભીષણ આગમાં 17 લોકોના મોત

Social Share

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના કરોલબાગની એક હોટલમાં મંગળવારે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. કરોલબાગની હોટલ અર્પિત પેલેસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની ઘટનામાં 17 લોકોના મોત નીપજ્યા છે, તેમાં મહિલા અને બાળક પણ સામેલ છે. આગ લાગવાની માહિતી મળતાની સાથે જ ઘટનાસ્થળે ફાયરબ્રિગેડના વાહનો રાહત અને બચાવ કામગીરી માટે ધસી ગયા હતા. ફાયરબ્રિગેડ વિભાગ પ્રમાણે, હોટલમાંથી સાત લોકોને સુરક્ષિત કાઢવામાં આવ્યા છે. આગ એટલી ભયાનક હતી કે લોકોને બારીઓમાંથી કૂદીને જીવ બચાવવો પડયો છે.

ફાયરબ્રિગેડ વિભાગના ડેપ્યુટી ચીફ સુનીલ ચૌધરીએ કહ્યુ છેકે હોટલ અર્પિત પેલેસમાં આગની ઝપટમાં આવવાથી 17 લોકોના જીવ ગયા છે. જો કે આગ બુઝાવી દેવામાં આવી છે. લાશોને બહાર કાઢવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. ફાયરબ્રિગેડ વિભાગ મુજબ, કરોલબાગ ખાતે હોટલ અર્પિત પેલેસમાં સવારે આગ લાગી હતી.

માહિતી મળતાની સાથે જ 26 જેટલા ફાયરબ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ અગાશીમાંથી કૂદીને જીવ બચાવવાની કોશિશ કરી રહ્યો છે.

આગ પર કાબુ મેળવવા માટે ફાયરબ્રિગેડના કર્મચારીઓએ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. જણાવવામાં આવે છે કે હોટલના 40 કક્ષ છે. કેરળમાંથી આવેલા એક જ પરિવારના સાત લોકોને બચાવવામાં આવ્યા છે. જો કે ત્રણ અન્ય લોકો ફસાયેલા હોવાની આશંકા છે. માનવામાં આવે છે કે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. કેરળથી આવેલા એક જ પરિવારના દશ લોકો હોટલ અર્પિત પેલેસમાં રોકાયા હતા. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ, મૃતકોમાં એક બાળક, એક મહિલા સામેલ છે.

વહેલી સવારે આગ લાગવાની ઘટના વખતે લોકો ગાઢ નિંદ્રામાં હતા. જેના કારણે મૃતકોની સંખ્યામાં વધારો થયો છે. જણાવવામાં આવે છે કે આગ સવારે પાંચ વાગ્યે લાગી હતી. આગ લાગવાની ઘટનાને કારણે સાથે નાસભાગ પણ થઈ હતી.

તાજેતરમાં નોઈડાના સેક્ટર-12 ખાતેની મેટ્રો હાર્ટ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી. રાહતની વાત એ હતી કે મેટ્રો હાર્ટ હોસ્પિટલની આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. હોસ્પિટલના બિલ્ડિંગમાં અચાનક ધુમાડાના ગોટેગોટા સર્જાયા હતા. જેમાં હોસ્પિટલમાં નાસભાગ સર્જાઈ હતી. કેટલાક દર્દીઓને બિલ્ડિંગના કાચ તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયરબ્રિગેડના લગભગ છ વાહનોએ બે કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.