Site icon Revoi.in

મહારાષ્ટ્ર અને રાજસ્થાનની જેમ ગુજરાત એસ.ટી નિગમને રાહત પેકેજ આપવા ST કર્મચારી મંડળની માંગ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લીધે એસટી નિગમને કરોડો રૂપિયાનું નુકશાન થયુ છે. ત્યારે ST કર્મચારી મહામંડળ દ્વારા ST નિગમને થયેલા 1200 કરોડના નુકસાન અંગે રાહત પેકેજની માંગ કરવામાં આવી છે. 2020-21 માં કોરોનાના કારણે અંદાજે ST નિગમને 1161 કરોડનું નુકસાન થયું છે. કર્મચારી મહામંડળે એ પણ ઉલ્લેખ કર્યો છે કે મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ત્યાંના એસ.ટી નિગમ ને રાહત પેકેજ આપવામાં આવ્યું છે તો ગુજરાત એસટીના કર્મચારીઓને પણ રાહત પેકેજ આપવું જોઈએ.

રાજ્યમાં છેલ્લા એક વર્ષથી કોરોનાને કારણે STની નિગમની ટ્રીપોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. માર્ચ 2020 પછી આજ દિન સુધી સરકારની ગાઈડલાઈન પ્રમાણે મર્યાદિત સંચાલન હાથ ધરવાને કારણે નિગમની આવકમાં સૌથી મોટું નુકસાન થયું છે. સામાન્ય સંજોગોમાં ST નિગમની 44 હજાર ટ્રીપો ચાલુ હતી. જે હાલમાં 12 હજાર ટ્રીપો જ ચાલુ કરવામાં આવી છે. હાલના સમયમાં ડીઝલના પણ ભાવ વધ્યા છે. જેની નિગમ ખોટ કરી રહ્યું છે. આ ખોટની સીધી અસર કર્મચારીઓની માનસિક સ્થિતિ પર થઈ છે. વર્ષ 2021ના એપ્રિલ માસમાં 75 ટકા અને 50 ટકા સીટીંગ કેપેસીટી મુજબ સંચાલન કરાતા અંદાજે 100 રૂપિયાનું નુકસાન નિગમને થયું છે.

મહારાષ્ટ્ર સરકાર દ્વારા ત્યાંના પરિવહન નિગમને નિગમના કર્મચારીઓના ફેબ્રુઆરી 2020થી પગાર ચુકવવા પરત નહીં કરવાની શરતે એક હજાર કરોડની આર્થિક સહાય કરી છે. તે ઉપરાંત રાજસ્થાન સરકાર દ્વારા પણ દર મહિને 50 કરોડ રૂપિયા પરિવહન નિગમના કર્મચારીઓના પગાર ચૂકવવા માટે આપવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં પણ પરિવહન નિગમે કોરોનાને કારણે મોટું નુકસાન ભોગવ્યું છે જેથી નિગમને પણ રાહત પેકેજ આપવું જોઈએ.ગુજરાતમાં ST નિગમના કર્મચારીઓ દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું છે તેને રાજ્યની વડી અદાલત દ્વારા પણ વખાણવામાં આવ્યું છે. કોરોના કાળમાં શ્રમિકોને પોતાના વતન પહોંચાડવા, અન્ય રાજ્ય કે દેશમાંથી પરત આવેલા લોકોને પોતાના ઘરે પહોંચાડવા, તેમજ અન્ય સ્થાનો પર ફસાયેલા યાત્રાળુઓને તેમના ઘરે પહોંચાડવા સુધીનું કામ કર્મચારીઓએ કર્યું છે. જેમાં નિગમના 2 હજારથી વધુ કર્મચારીઓ સંક્રમિત થયાં હતાં અને 130થી વધુ કર્મચારીઓના દુઃખદ મોત થયેલ છે.