નવી દિલ્હી, 15 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે 28મી કોમનવેલ્થ સ્પીકર્સ એન્ડ પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ (CSPOC) ના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કર્યું હતું. આ વર્ષે કોન્ફરન્સની થીમ ‘સંસદીય લોકશાહીની અસરકારક ડિલિવરી’ રાખવામાં આવી છે. ભારત ચોથી વખત આ પ્રતિષ્ઠિત પરિષદની યજમાની કરી રહ્યું છે. પીએમ મોદીએ તેમના સંબોધનમાં ભારતીય લોકશાહીની સફર અને તેની મજબૂતી વિશે વિગતવાર વાત કરી હતી.
- ‘સંવિધાન સદન’ લોકતાંત્રિક યાત્રાનું સાક્ષી
પીએમ મોદીએ મહેમાનોનું સ્વાગત કરતા જણાવ્યું કે, જે સ્થાને તમે બેઠા છો તે ભારતની લોકતાંત્રિક યાત્રા માટે અત્યંત મહત્વનું છે. આઝાદીના અંતિમ વર્ષોમાં જ્યારે ભારતની સ્વતંત્રતા નિશ્ચિત હતી, ત્યારે આ સેન્ટ્રલ હોલમાં સંવિધાન સભાની બેઠકો મળી હતી. 75 વર્ષ સુધી ભારતની સંસદ રહેલી આ ઈમારતને હવે ‘સંવિધાન સદન’ તરીકે ઓળખવામાં આવે છે.
વડાપ્રધાને કહ્યું કે, “જ્યારે ભારત આઝાદ થયું ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર શંકા હતી કે આટલી બધી વિવિધતા ધરાવતા દેશમાં લોકશાહી ટકશે કે નહીં? અને જો ટકશે તો વિકાસ થશે કે નહીં? ભારતે આ તમામ આશંકાઓને ખોટી સાબિત કરી છે. આજે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે.”
વડાપ્રધાને ‘લાસ્ટ માઈલ ડિલિવરી’ પર ભાર મૂકતા કહ્યું કે, લોકશાહીનો સાચો અર્થ જન કલ્યાણ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. કોરોના કાળમાં ભારતે પોતાની જરૂરિયાતો પૂરી કરવાની સાથે 150 થી વધુ દેશોને વેક્સિન પહોંચાડી હતી. આ આપણા સંસ્કાર છે જે આપણને લોકશાહીએ આપ્યા છે.
ભારતને ‘લોકશાહીની જનની’ ગણાવતા પીએમએ કહ્યું કે, તાજેતરની લોકસભા ચૂંટણીમાં મહિલાઓની ભાગીદારી ઐતિહાસિક રહી છે. આજે દેશના રાષ્ટ્રપતિ એક મહિલા છે. આ ઉપરાંત, તેમણે ગ્લોબલ સાઉથ (વિકાસશીલ દેશો) નો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, ભારત હંમેશા આ દેશોની સમસ્યાઓને વૈશ્વિક મંચ પર રજૂ કરવા માટે પ્રતિબદ્ધ છે. કોમનવેલ્થ દેશોની કુલ વસ્તીના 50 ટકા હિસ્સો ભારતમાં વસે છે, જે આપણી જવાબદારી વધારે છે.
આ પણ વાંચોઃI-PAC દરોડા પ્રકરણ: પશ્ચિમ બંગાળના DGPને સસ્પેન્ડ કરવાની સુપ્રીમ કોર્ટમાં માંગ

