Site icon Revoi.in

સુકા મેવા તરીકે ઓળખાતી કચ્છીની દેશી ખારેકને મળ્યો GI ટેગ, હવે વિદેશના બજારોમાં માગ વધશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં પહેલા ગીરની કેસર કેરી, ભાલીયા ઘઉંના બીજ, અને હવે કચ્છની દેશી ખારેક જીઆઇ ટેગ- જીઓગ્રાફીકલ ઇન્‍ડિકેશન મેળવનાર રાજ્યની ત્રીજી  કૃષિ પેદાશ બની છે તેમ કૃષિ મંત્રી  રાઘવજી પટેલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું.

મંત્રી પટેલે કહ્યું હતું કે, ગુજરાતનો 54 ટકા વિસ્તાર શુષ્ક અને અર્ધ શુષ્ક આબોહવા ધરાવતો હોવા છતાં, તે કૃષિ વિકાસમાં રાષ્ટ્રીય અગ્રેસર છે.  રાજ્યના 24% વિસ્તારને આવરી લેતો  કચ્છ  જિલ્લો રાજયમાં  સૌથી મોટો છે. કચ્છ શુષ્ક પ્રદેશ છે,  કચ્છ તેના વિશાળ સફેદ રણ માટે જાણીતું છે, જ્યાં સરેરાશ 340 મીમી વરસાદ પડે છે, આમ છતાં તેમાં સૌથી વધુ વૈવિધ્યસભર પશુપાલન આધારિત કૃષિનો વિકાસ થયો છે.  ખેડૂતોના અથાક પરિશ્રમ,  સરકારના બાગાયત વિકાસ કેન્દ્રિત અભિગમ અને વૈજ્ઞાનિકોના પ્રયાસોથી તમામ પ્રતિકૂળતાઓને પાર કરીને કચ્છ બાગાયતી પાકોના હબ તરીકે ઉભરી આવ્યું છે. કચ્છ જિલ્લો વર્ષ 2023-24માં 59,065 હેક્ટર સાથે ફળ પાક હેઠળ રાજ્યમાં પ્રથમ ક્રમે છે. જેમાં ખારેક, કેરી, દાડમ, ડ્રેગન ફ્રુટ, પપૈયા, જામફળ મુખ્ય છે.

તેમણે કહ્યું હતું કે કચ્છમાં 19,251  હે. વિસ્તારમાં 1,82,884  મે. ટનનાં ઉત્પાદન સાથે મુંદ્રા, માંડવી, ભુજ અને અંજાર તાલુકાઓ ખારેકની ખેતીમાં અગ્રણી તાલુકાઓ છે, કચ્છી ખારેક “સુકા મેવાનું” સન્‍માન થયુ છે. આખા દેશમાં સૌ પ્રથમ કચ્છની ધરતી 425  વર્ષ પહેલા ખારેકની ખેતીની શરુઆત થઈ હતી. તે   દેશી ખારેકને જીઆઇ-ટેગ જીઓગ્રાફીકલ ઇન્‍ડિકેશનની માન્‍યતા મળી છે.  કચ્છની દેશી ખારેક હવે દુનિયાભરની બજારમાં વધારે આદર સાથે નિકાસલક્ષી માંગ મેળવશે તેવી દ્રઢ આશા બંધાઇ છે. આ સાથે કચ્છી દેશી ખારેક જીઆઈ-ટેગની માન્યતા મેળવનાર રણ-પ્રદેશ કચ્છ્ની સર્વપ્રથમ કૃષિ પેદાશ બની છે.

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી તેમજ મુંદ્રા સ્થિત ખારેક સંશોધન કેન્દ્ર સાથે બિકાનેરની સેન્‍ટ્રલ ઇંસ્ટિટ્યુટ ફોર એરિડ હોર્ટીકલ્ચરના સહયોગથી કચ્છી ખારેકને માન્‍યતા અપાવવા માટે પ્રયાસો શરૂ કરાયા હતા.

મંત્રી પટેલે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે હેઠળની ચેન્નઇ સ્થિત “ઓફિસ ઓફ ધી કંટ્રોલર જનરલ ઓફ પેટર્ન, ડિઝાઇન એન્‍ડ ટ્રેડ-માર્ક્સ” તરફથી આ માન્‍યતા અપાઈ છે. 425  વર્ષ પહેલાં કચ્છમાં પહેલી-વહેલી ખારેકની ખેતી મુંદ્રા તાલુકાના ધ્રબની ધરતી પર કરનારા તુર્ક પરિવારોના પ્રતિનિધિ અને પીઢ કિસાન અગ્રણી હુસેનભાઈ તુર્કનું યોગદાન પણ અગત્યનું રહ્યું છે.

ગુજરાતે ખજૂર ઉગાડનારને શ્રેષ્ઠ તકનીકી જ્ઞાનથી સજ્જ બનાવવાના હેતુથી ઇઝરાયેલના ટેકનિકલ સહયોગ સાથે કચ્છ ખાતે ખજૂર માટે સેન્ટર ઓફ એક્સેલન્સ કેન્દ્રની સ્થાપના કરી છે જે આધુનિક ટેકનોલોજીના  નિદર્શન પ્લોટની સુવિધા સાથે કાર્યરત છે. સરકાર ખારેકના નવા વાવેતરને પણ પ્રોત્સાહન આપી રહી છે જેના કારણે ખેડૂતો ઉચ્ચ ટેકનોલોજીથી  ખારેકનું ઉત્પાદન કરશે અને જી. આઇ. ટેગના કારણે ખેડૂતોને સ્પર્ધાત્મક બજારમાં સારા ભાવ મળી શકશે અને કચ્છના ખેડૂતો વધુ સમૃધ્ધ થશે તેમ રાઘવજીએ ઉમેર્યું હતું.