Site icon Revoi.in

કેદારનાથ ધામમાં હવે ભક્તો ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકશે,બાબાના થશે નિકટના દર્શન

Social Share

દહેરાદૂન:કેદારનાથ મંદિરમાં દર્શનાર્થે આવતા યાત્રિકોની સંખ્યામાં ઘટાડાને જોતા હિમાલય મંદિરના ગર્ભગૃહમાં ભક્તોના પ્રવેશ પરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે.બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) ના પ્રમુખ અજેન્દ્ર અજયે શનિવારે જણાવ્યું હતું કે,શ્રદ્ધાળુઓની અભૂતપૂર્વ ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષા કારણોસર 6 મેના રોજ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.અજયે કહ્યું, “મંદિરના ગર્ભગૃહમાં ખૂબ જ મર્યાદિત જગ્યા છે અને તીર્થયાત્રીઓને અંદર જવા દેવાનું જોખમ ભર્યું હોઈ શકે છે, તેથી પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

આનો અર્થ એ થયો કે શ્રદ્ધાળુઓ સભા મંડપની બહાર જઈ શકતા ન હતા, પરંતુ શુક્રવારે પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો.BKTCના ચેરમેને જણાવ્યું હતું કે જ્યારે કેદારનાથ યાત્રા મે મહિનામાં શરૂ થઈ હતી, ત્યારે દરરોજ સરેરાશ 16,000-17,000 લોકો મુલાકાત લેતા હતા, પરંતુ હવે આ સંખ્યા ઘટીને 2,000-3,000 થઈ ગઈ છે.

પ્રસિદ્ધ મંદિરમાં યાત્રિકોની સંખ્યામાં ઘટાડો શા માટે થાય છે તે અંગે પૂછવામાં આવતા, તેમણે કહ્યું કે ચોમાસાની ઋતુમાં અને શાળાઓ અને કોલેજોમાં ઉનાળાની રજાઓ પૂર્ણ થયા પછી યાત્રાળુઓની સંખ્યામાં ઘટાડો થવો સામાન્ય છે. અજયે કહ્યું, “દર વર્ષે 20 જૂન પછી, તીર્થયાત્રીઓની સંખ્યામાં ઘટાડો થાય છે કારણ કે ચોમાસા દરમિયાન મુસાફરીના રૂટમાં અવરોધ આવે છે.”

તેમણે કહ્યું કે શાળાઓ અને કોલેજોમાં ઉનાળુ વેકેશનનો અંત પણ સંખ્યામાં ઘટાડો થવાનું બીજું કારણ છે. “જો કે, જ્યારે હવામાન ચોખ્ખું હોય છે ત્યારે સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન યાત્રાળુઓની સંખ્યામાં ફરીથી વધારો થાય છે,” કેદારનાથ અને બદ્રીનાથના દ્વાર 6 અને 8 મેં ના ખુલ્યા બાદ શુક્રવાર સાંજ સુધીમાં રેકોર્ડ સંખ્યામાં 17,39,771 લોકો દર્શન કરી ચુક્યા છે.