Site icon Revoi.in

અમદાવાદમાં ભાજપ શાસિત AMCની એકપણ કમિટીમાં SC-ST કોર્પોરેટરોને પદ ન મળતા અસંતોષ

Social Share

અમદાવાદઃ શહેરમાં ભાજપ શાસિત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ કમિટીઓમાં ચેરમેનો અને ડેપ્યુટી ચેરમેનો સહિત વિવિધ પદાધિકારીઓમાં ભાજપના જ એસસી-એસટી કોર્પોરેટરોને સ્થાન ન અપાતા અસંતોષ જોવા મળી રહ્યો છે. મ્યુનિના પદાધિકારીઓમાં એક સમાજનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. એવું અનુસૂચિત જાતિ અને જનજાતિના કોર્પોરેટરો કહી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  તાજેતરમાં એએમસીમાં  ભાજપ દ્વારા વિવિધ કમિટીઓના નવા ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી. મ્યુનિ.માં મેયર સહિતના મુખ્ય પાંચ હોદ્દેદારો પહેલા નિયુક્તિ કરવામાં આવી હતી. ત્યારબાદ  વિવિધ કમિટીઓમાં ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની નિમણૂક મામલે જાતિગત સમીકરણમાં સમાજના એક વર્ગનો  દબદબો વધુ જોવા મળ્યો છે. જનરલ કેટેગરીના વર્ગમાં આવતા વર્ગને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના એક પણ કોર્પોરેટરને ચેરમેન બનાવવામાં આવ્યા નથી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેર ભાજપ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો દ્વારા વિવિધ કમિટીઓના ચેરમેનપદ માટે મેયર બંગલે બેઠક યોજી હતી. વિવિધ કમિટીઓના ચેરમેનની નિમણૂકમાં જાતિગત સમીકરણમાં બ્રાહ્મણ, પટેલ અને ઓબીસી સમાજના કોર્પોરેટરોને ચેરમેન પદ આપવામાં આવ્યા છે. ક્ષત્રિય, વણિક અને હિન્દી ભાષી કોર્પોરેટરને પણ ચેરમેન પદ આપવામાં આવ્યું છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના એક પણ કોર્પોરેટરને ચેરમેનપદ આપવામાં ન આવતા અસંતોષ ઊભો થયો છે. એએમસીના મુખ્ય પાંચ હોદ્દેદારોમાં વણિક જ્ઞાતિના બે કોર્પોરેટરોને સ્થાન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે વિવિધ કમિટીઓના ચેરમેનમાં સમાજના તમામ વર્ગોનો પ્રતિનિધિત્વ આપીને સમતોલ જાળવવામાં આવ્યું છે. પરંતુ એસસી-એસટી સમાજમાંથી માત્ર એક સભ્યને સ્થાન મળ્યુ છે. જેના લીધે અસંતોષ ઊભો થયો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, એએમસીમાં પ્રથમ અઢી વર્ષની ટર્મ દરમિયાન જે પણ મુખ્ય હોદ્દેદાર રહેલા છે એવા પાંચેય કોર્પોરેટરને એક પણ કમિટીમાં સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું નથી. ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન રહી ચૂકેલા કોર્પોરેટરોનો વિવિધ કમિટીઓમાં સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. ભૂતકાળમાં જે પણ ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન રહી ચૂક્યા છે, તેમને ડી – ગ્રેડ કરી અને સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે પક્ષના કોર્પોરેટરોમાં ગણગણાટ શરૂ થયો છે.