Site icon Revoi.in

ગાંધીનગરમાં પૂરફાટ ઝડપે જઈ રહેલી સ્કુલવાને બાઈકને અડફેટે લેતા ચાલકનું મોત,

Social Share

ગાંધીનગરઃ શહેરમાં ઘેટા બકરાની જેમ બાળકોને બેસાડીને દોડતા સ્કૂલ વાનના ચાલકે જલ્દી પહોંચવાની ઉતાવળમાં પોતાની વાન પૂરપાટ ઝડપે હંકારીને બાઈકને ટક્કર મારી હતી. અકસ્માત થયા પછી પણ વાનના ચાલક બાળકો ભરેલી વાન લઈને ભાગ્યો હતો. જ્યારે ઈજાગ્રસ્ત આશાસ્પદ યુવાનનું સ્થળ પર મોત નિપજ્યુ હતુ. જો કે રાહદારીઓએ પીછો કરતાં બાળકો સાથેની વાન રેઢિ મૂકીને ડ્રાઇવર નાસી જતાં બાળકોએ ચીસાચીસ કરી રોકકળ કરી મૂકી હતી. ત્યારે રાહદારીઓએ ડ્રાઈવરને પકડી પાડયો હતો. આ અંગે સેકટર – 21 પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં સ્કૂલો ખુલતાની સાથે જ નિયમોનાં લીરેલીરા ઉડાવી બાળકોને ઘેટાં બકરાની જેમ ભરીને સ્કૂલ વાનો દોડી રહી છે. સ્કૂલના વાનનાં ચાલકો  બાળકોની પરવા કર્યા વિના બેફામ ગતિએ વાહનો દોડાવી છડેચોક નિયમોનો ભંગ કરતાં રહે છે. ત્યારે જલ્દી પહોંચવાની ઉતાવળમાં એક સ્કૂલ વાનમાં બાળકોને ભરીને દોડતા ડ્રાઇવરે ચ – 6થી ચ – 7 તરફ સેકટર – 29ના કટ પાસે બેફામ ગતિએ વાન હંકારીને બાઇકને ટક્કર મારીને આશાસ્પદ યુવાનનો જીવ લઈ લીધો હતો.

પોલીસના સૂત્રોના કહેવા મુજબ સાદરા ગામનો 21 વર્ષીય જૈમિન મહેશભાઈ વાઘેલા ગાંધીનગરના સેકટર – 15 ની કોલેજમાં બી. કોમનાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. શનિવારે સવારે કોલેજથી પરત ઘરે બાઈક લઈને જઈ રહ્યો હતો. ત્યારે અગિયાર વાગ્યાના અરસામાં સેકટર – 29 કટ પાસે પૂરપાટ ઝડપે આવતી સ્કૂલ વાને ટક્કર મારી હતી. જેથી જૈમિન રોડ પર પટકાયો હતો. અને મોતને ભેટયો હતો. આ અકસ્માત થતાં જ રોકાઈ જવાની જગ્યાએ સ્કૂલ વાનના ડ્રાઇવરે બાળકો ભરેલી વાનને ઊંધી દિશામાં ફૂલ સ્પીડમાં દોડાવીને ભાગ્યો હતો. જેનાં કારણે અંદર બેઠેલા બાળકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. અને ચીસાચીસ કરી રોકકળ કરવા લાગ્યા હતા. દરમિયાન રાહદારીઓએ વાનનો પીછો કર્યો હતો. અને આગળ જઈને બાળકો સાથેની વાન રેઢી  મૂકીને ડ્રાઈવર ભાગ્યો હતો. જેને રાહદારીઓ પકડી પાડયો હતો. બનાવની જાણ થતાં સેકટર – 21 પોલીસ પણ દોડી ગઈ હતી.પોલીસે સ્કુલવાન ચાલકની ધરપકડ કરીને આ બનાવની વધુ તપાસ હાથ ધરી હતી.