Site icon Revoi.in

કલોલ નગરપાલિકામાં અસંતોષને લીધે ભાજપના 9 સભ્યોએ સાગમટે રાજીનામાં આપ્યાં

Social Share

કલોલઃ  શિસ્તબદ્ધ ગણાતી ભાજપમાં પણ તાલુકા અને જિલ્લા લેવલે સત્તાની સાઠમારીમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે કલોલ નગરપાલિકાના સતાધારી પક્ષ ભાજપના 9 કોર્પોરેટરોએ કમિટીઓના હોદ્દેદારોની ચૂંટણી યોજાય તે પહેલાં રાજીનામા આપી દેતા રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળ્યો હતો. તમામ 9 સભ્યોના રાજીનામા નગરપાલિકા કમિટી દ્વારા મંજૂર પણ કરી દેવામાં આવ્યા હતા.

કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ કલોલ નગરપાલિકાના પ્રમુખ શલૈષ પટેલે જણાવ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ સોમવારે મળી હતી જેમાં નગરપાલિકાના અલગ અલગ વિભાગોની ફાળવણી કરવાની હતી. તે પહેલા 9 સભ્યોએ રાજીનામું આપી દેતા તમામના રાજીનામાં સ્વીકારી લેવામાં આવ્યો છે. ભાજપ પાસે 9 સભ્યોના રાજીનામાં બાદ પણ 24 સભ્યોની બહુમતી છે. એટલે કોઈ ફરક પડવાનો નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ કલોલમાં ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કલોલ નગરપાલિકામાં કારોબારી ચેરમેનના વિવાદમાં ભાજપમાં રાજીનામાનો દોર શરૂ થયો છે. ભાજપના 9 કોર્પોરેટરોએ રાજીનામું આપી દેતા શહેરનું રાજકારણ ગરમાયું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂંકથી રોષે ભરાયેલા કોર્પોરેટરોએ આ પગલું ભર્યું છે. સાથે જ નગરપાલિકાના પ્રમુખ સામે પણ નારાજગી દાખવી છે.  મિટિંગ યોજાય તે પહેલા ભજપાના 9 સભ્યોએ પોતાના રાજીનામા આપી દીધા છે. જેમાં જીતેન્દ્રભાઈ પટેલ, પ્રદીપસિંહ બી. ગોહિલ, કેતનકુમાર એન. શેઠ, ક્રિના એ. જોષી, અમીબેન એમ. અરબસ્તાની, ચેતન જી. પટેલ, દિનેશકુમાર આર. પટેલ., ભુપેન્દ્રભાઈ બી. પટેલ અને મનુભાઈ બી. પટેલ વગેરે સભ્યોએ નગરપાલિકાના સભ્ય પદેથી રાજીનામા આપી દેતા ભાજપના શહેર સંગઠન સામે અસંતોષ સામે આવ્યો છે. કલોલ નગરપાલિકાના 11 વોર્ડમાં 44 સભ્યો છે. સભ્યોની પક્ષવાર સ્થિતિ ભાજપા 33, કોંગ્રેસ 10 અને અન્ય 1 છે. ભાજપા પાસે 9 સભ્યોના રાજીનામા પછી પણ  સતાધારી પક્ષ ભાજપા પાસે બહુમતી છે. ભાજપા 24 સભ્યો સાથે સત્તામાં છે.

અત્રે ઉલ્લેખનીય છે. કે,  અગાઉ નવા પ્રમુખ શૈલેષ પટેલની વરણી થઈ હતી ત્યારે પણ આજ કોર્પોરેટરોએ રાજીનામાં આપી દીધા હતા. પણ તત્કાલિન સમયે સંગઠને તમામને મનાવી લીધા હતા. પણ ચેરમેનની વરણી બાકી હતી,