અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી રાત્રે ઠંડી અને બપોરે ગરમી એમ બેઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આમ ડબલ ઋતુના લીધે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બાળકોમાં ઝાડા-ઊલટી સહિત વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો થઈ રહ્યો છે. રાત્રે હળવી ઠંડક અને દિવસનું તાપમાન 35 ડિગ્રી પર પહોંચી જવાથી રોગચાળો વકરી રહ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં એક અઠવાડિયામાં 20 હજાર કરતા વધારે દર્દીઓ નોંધાયા હતા. આ સિવાય ખાનગી હોસ્પિટલોમાં પણ આવતા વાયરસ અને ઝાડા-ઊલટીના કેસોમાં વધારો થયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં બપોરના તાપમાનમાંએકાએક વધારો થતાં અને રાત્રે ઠંડી અનુભવાતા બે ઋતુને કારણે વારયલ કેસમાં વધારો થયો છે. શહેરના અસારવા સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં આવતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બાળકોમાં ઝાડા-ઊલ્ટીના 116 કેસ નોંધાયા હતા, જ્યારે ડેંગ્યુના 12, કમળાના 130, ન્યુમોનિયાના 62 કેસ નોંધાયા હતા. આ સિવાય ચિકનગુનિયા 4, ઝાડા-ઊલ્ટીના 126 કેસ નોંધાયા હતા. અસારવા સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, એક અઠવાડિયામાં 20 હજારથી વધુ દર્દીઓએ ઓપીડી સારવાર લીધી હતી. જ્યારે 2000થી વધારે દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. સરેરાશ હાલ રોજના 3000 જેટલા દર્દીઓ ઓપીડીમાં સારવાર માટે પહોંચી રહ્યા છે. મચ્છર જન્ય રોગચાળો હાલ કાબૂમાં છે. પરંતુ પાણીજન્ય રોગો છે તેના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.
ગુજરાતમાં ગરમીનો પારો ઊંચો જવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી અઠવાડિયાથી પારો 40 ડિગ્રીની નજીક પહોંચી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમરેલી, સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યા હતા. જ્યારે અમદાવાદ-ગાંધીનગરમાં મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીએ પહોંચ્યો હતો. હજુ પણ રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 15ની આસપાસ નોંધાઈ રહ્યું છે.

