Site icon Revoi.in

RTO કચેરીઓમાં કોન્ટ્રાક્ટરોના પાપે લોકોને ડ્રાઈવિંગ લાયસન્સ કે RC બુક સમયસર મળતી નથી

Social Share

અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદ સહિત તમામ આરટીઓ કચેરીઓમાં ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસી બુક માટેનું વેઈટિંગ ચાલી રહ્યું છે. અને આ સમસ્યાઓ તો મહિનાઓથી છે. છતાં ગાંધીનગરમાં બેઠેલા સત્તાધિશોના પેટનું પાણી પણ હલતું નથી. સરકારની માનીતી કંપનીઓને ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસી બુકનો કોન્ટ્રાક્ટ અપાયા બાદ કોન્ટ્રાક્ટરો અવનવા બહાના કાઢીને સ્માર્ટ કે બારકોડ કાર્ડનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરાવતા નથી, તેના લીધે વેઈટિંગલિસ્ટમાં કોઈ ઘટાડો થયો નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં બે મહિનાથી વાહનના ડ્રાઇવિંગ ટેસ્ટ આપનાર 25 હજારથી વધુ અરજદારો લાઇસન્સની રાહ જુએ છે. દિવાળીના તહેવારોમાં બહાગામ જતાં કેટલાક  વાહનચાલકોને વગર ડ્રાઇવિંગ લાઇસન્સે ડ્રાઈવિંગ કરવાની ફરજ પડશે. લાઈસન્સના ઓનલાઇન સ્ટેટસમાં માત્ર ડિસ્પેચનું સ્ટેટસ બતાવવામાં આવી રહ્યું છે. આરસીબુક સાત દિવસમાં મળી જવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પણ 37 દિવસ સુધી આરસી બુક મળતી નથી. કેટલાક કિસ્સામાં તો અઢી મહિના સુધી રાહ જોવી પડે છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત સરકારે ડ્રાઈવિંગ લાઈસન્સ માટે નવી કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. નવી કંપની કોન્ટ્રાક્ટ લઇને બેસી ગયા પછી આરટીઓ અધિકારીઓને લાઇસન્સના સ્ટેટસ અંગે કોઇ માહિતી આપતી નથી. જોકે માત્ર અમદાવાદમાં જ નહીં રાજ્યભરની આરટીઓ કચેરીની આ હાલત છે. કોન્ટ્રાક્ટરો કહેવાય છે કે, આરટીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધ ધરાવતા હોવાથી પ્રાદેશિક કચેરીઓના આરટીઓ અધિકારીઓ ફરિયાદ કરતા પણ ડરી રહ્યા છે. હાલ અમદાવાદની આરટીઓ કચેરીમાં 25 હજાર લાઈસન્સનું વેઈટિંગ છે, અને લાયસન્સ ડિસ્પેચ કયારે થશે ? તેની કોઇ જાણકારી નથી અને હજુ રોજબરોજ વાહનનો ડ્રાઇવિંગ ટેસ્ટ આપી રહેલા અરજદારોને દિવાળી પહેલા લાઈસન્સ મળવાની શક્યતા નહિવત છે. વાહનની આરસીબુક મહત્વનો ડોક્યુમેન્ટ છે. પરંતુ વાહન ડીલરોના લીધે મોડું થતું હોવાનું બહાનું કાઢી કોન્ટ્રાકટરો છટકબારી શોધે છે. આરટીઓ પાસે સત્તા નહીં હોવાથી કંપની પાસે કોઇ ખુલાસો માગી શકતી નથી. સરકારે સાત દિવસમાં વાહનની આરસીબુક મળી જવાની અગાઉ આપેલી ખાતરીને કોન્ટ્રાક્ટ કંપની ઘોળીને પી ગઇ છે.