અમદાવાદઃ તમિલનાડુમાં તાજેતરમાં આવેલા વાવાઝોડા અને વરસાદને લીધે રેલવે વ્યવહાર અને વિમાની સેવાને માઠી અસર થઈ હતી. તમિલનાડુના મુખ્ય શહેર ગણાતા ચેન્નાઈમાં ભારે વરસાદને કારણે વ્યાપક નુકશાની થઈ છે. કેન્દ્ર સરકારના પોસ્ટ ઓફિસ વિભાગના કોમ્પ્યુટરની મુખ્ય સિસ્ટમ ચેન્નઈ ખાતે છે. જે વરસાદને કારણે પ્રભાવિત થતાં દેશભરની પોસ્ટ કચેરીઓમાં કામગીરી ઠપ બની ગઈ હતી. ગુજરાતમાં પણ તમામ પોસ્ટ કરેરીઓની કામગીરીને અસર થઈ હતી. જીપીઓ સહિત સબપોસ્ટ ઓફિસોના ખાતાધારકોના ચેકનું ક્લિયરિંગ અટક્યું હતું. તમામ પોસ્ટ ખાતાના રિટર્ન થયેલા ચેક અંગે પોસ્ટ ઓફિસના ગ્રાહકોના ખાતામાંથી પ્રતિ ચેક રિટર્ન પેટે દેશભરના ખાતા ધારકોના લાખો રૂપિયા કપાઈ ગયા હોવાની બાબતે ભોગ બનનારા પોસ્ટના ગ્રાહકોમાં કચવાટ ફેલાયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં તમિલનાડુ ખાતે મીચોંગ વાવાઝોડાએ ભારે તબાહી સર્જી હતી. પરિણામે દેશભરની પોસ્ટ ઓફિસોના કોમ્પ્યુટર ઠપ્પ થયા હતા. કેન્દ્ર સરકાર હસ્તકની તમામ પોસ્ટ પોસ્ટ ઓફિસોના કોમ્પ્યુટરોનું સંચાલન ચેન્નઈ ખાતેના મુખ્ય સર્વર દ્વારા થાય છે. જો ચેન્નઈ ખાતેના સર્વરમાં કાંઈ ખામી સર્જાય તો દેશભરની તમામ પોસ્ટ ઓફિસોના કોમ્પ્યુટર ઠપ થઈ જાય છે. ભારે વરસાદ અને તોફાની પવનના કારણે ચેન્નઈ ખાતે કેન્દ્ર સરકારના પોસ્ટ ઓફિસ મુખ્ય સર્વર એકાએક ડાઉન થતાં દેશભરની પોસ્ટ ઓફિસોના કોમ્પ્યુટરોની કામગીરી ખોરવાઈ હતી. જેના લીધે પોસ્ટ ઓફિસોના કર્મચારીઓને માથે હાથ દઈને બેસી રહેવું પડ્યું હતું અને પોસ્ટ ઓફિસોમાં આવતા ગ્રાહકોને વિલા મોઢે પરત જવાનો વારો આવ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, પોસ્ટ ખાતામાં સેવિંગ ખાતામાં વિવિધ સ્કીમના ખાતા ધરાવનારા પાસે પોસ્ટ ઓફિસના ખાતાની ચેકબુક પણ હોય છે. આવા ખાતાધારકો પોતાની જરૂરિયાત મુજબ ચેકથી નાણા ટ્રાન્સફર કરતા હોય છે. આવા ખાતાધારકોએ પોસ્ટ ઓફિસના ખાતાના ચેકથી નાણા પોતાની બેંકના ખાતામાં ટ્રાન્સફર કરવા માટે ચેક ભર્યો હતો. પરંતુ ચેન્નઈ ખાતે આવેલા વાવાઝોડાના કારણે પોસ્ટ ઓફિસનું મુખ્ય સર્વર થયું હતું. દેશભરની તમામ પોસ્ટ ઓફિસના કોમ્પ્યુટર ઠપ્પ થઈ ગયા હતા. પરિણામે બેંકમાં ખાતાધારકોએ બેંકમાં જમા કરાવેલા પોસ્ટ ઓફિસોના ચેક રીટર્ન થયા હતા.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ચેન્નઈ ખાતેની સિસ્ટમ ઠપ થઈ જવાના કારણે દેશભરની પોસ્ટ ઓફિસોના કોમ્પ્યુટરો ઠપ્પ થયા હતા. પરિણામે આવા પોસ્ટ બેન્ક ખાતાના અન્ય બેન્કમાં ભરેલા ચેકો રીટર્ન થતા ચાર્જ પેટે બારોબાર રૂપિયા 140 કપાઈ ગયા હતા. આવા લાખો રૂપિયા કપાઈ જતા પોસ્ટ ખાતાના ગ્રાહકોમાં રોષ વ્યાપ્યો છે. પ્રતિ ચેક રિટર્ન પેટે રૂપિયા 140 પ્રત્યેક પોસ્ટ ખાતાધારકના કપાયા છે. (File photo)