Site icon Revoi.in

ભાવનગરમાં ડમીકાંડઃ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના સાળા કાનભા પાસેથી પોલીસે 38 લાખ કબજે કર્યા

Social Share

ભાવનગરઃ જિલ્લાના ડમીકાંડે રાજ્યભરમાં ચર્ચા જગાવી હતી. ડમીકાંડને પ્રકાશમાં લાવનારા વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ હાલ પોલીસ કસ્ટડીમાં છે. આ કાંડ સામે આવ્યા બાદ યુવરાજ સિંહ સામે આરોપ લાગ્યો હતો કે, ડમીકાંડમાં ઉમેદવારોના નામ જાહેર ન કરવા માટે લાખો રુપિયા લીધા હતા. યુવરાજસિંહે રાજકીય આક્ષેપો પણ કરતા એની ગમે ત્યારે ધરપકડ થાય તેવી અટકળો શરૂ થઈ હતી.અને પોલીસે સમન્સ બજાવ્યા બાદ યુવરાજસિંહની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસે આ કેસમાં યુવરાજ સિંહના સાળા કાનભા ગોહિલની સંડોવણી સામે આવતા તેમની પણ ધરપકડ કરીને પૂછપરછ તથા તપાસ હાથ ધરી હતી. પોલીસે યુવરાજ સિંહના સાળા કાનભા ગોહિલ પાસેથી રુપિયા 38 લાખ કબજે કર્યા હતા. પોલીસે રુપિયા એક કરોડની કથિત ખંડણીમાંથી હાલ 38 લાખ રુપિયા કબજે કર્યા હોવાનું કહેવાય છે. ત્યારે આ ખંડણી કેસમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ભાવનગરમાંથી ડમી ઉમેદવાર કાંડનો યુવરાજ સિંહે પર્દાફાશ કર્યો હતો. આ મામલે પોલીસે 36 આરોપીઓ સામે ગુનો નોંધીને ચારેક જેટલાં આરોપીઓને ઝડપ્યા હતા. ત્યારબાદ  પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયામાં યુવરાજ સિંહના નજીકના બિપીન ત્રિવેદી નામના શખસનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં એવા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, યુવરાજ સિંહે ડમી ઉમેદવારના નામ જાહેર ન કરવા માટે 55 લાખ રુપિયા લીધા હતા. જે બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને પછી યુવરાજ સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી. હાલ યુવરાજ સિંહ પોલીસ કસ્ટડીમાં છે અને તપાસ ચાલી રહી છે. આ દરમિયાન પોલીસે આ કાંડમાં યુવરાજ સિંહના સાળા કાનભા ગોહિલની પણ તાજેતરમાં સુરતના વેલંજા વિસ્તારમાંથી ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ  યુવરાજ સિંહનો સાળો કાનભા ગોહિલ અને અન્ય એક   આરોપી આ કાંડના મુખ્ય સૂત્રધાર છે. કાનભા ગોહિલની ધરપકડ બાદ પોલીસે તપાસ તેજ કરી હતી. પોલીસની તપાસમાં કાનભા ગોહિલે કબૂલ્યું હતું કે તેણે રુપિયાનો વ્યવહાર કર્યો હતો. જે બાદ પોલીસે આરોપી કાનભા ગોહિલ પાસેથી એક કરોડની કથિત ખંડણીની રકમમાંથી રુપિયા 38 લાખ કબજે કર્યા છે. પોલીસે સરકારી અધિકારીઓની હાજરીમાં પંચનામુ કરીને આ રુપિયા કબજે કર્યા હતા. આ મુદ્દે યુવરાજસિંહ આમ આદમી પાર્ટીમાં હોવા છતાં આમ આદમી પાર્ટીએ મૌન ધારણ કર્યું છે. બીજીબાજુ કોંગ્રેસે યુવરાજસિંહનો પક્ષ લઈને તેમને ફસાવવામાં આવ્યા હોવાનો સરકાર સામે આક્ષેપ કર્યો છે.