આફ્રિકાના દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો માં ઇબોલા વાયરસના કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. વાયરસના અત્યંત દુર્લભ ગણાતા ‘બુન્ડીબુગ્યો’ (Bundibugyo) સ્ટ્રેઇનના કારણે કોંગોમાં અત્યાર સુધીમાં આશરે 177 લોકોના શંકાસ્પદ મોત થયા છે, જ્યારે 750 જેટલા શંકાસ્પદ કેસ સામે આવતા આખું તંત્ર હરકતમાં આવ્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં WHOએ પણ ભારે ચિંતા વ્યક્ત કરી છે.
WHOના મહાનિદેશક ડૉ. ટેડ્રોસ અધાનમ ગેબ્રેયિસસે મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું છે કે, “કોંગોમાં ઇબોલાની વર્તમાન સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. રાષ્ટ્રીય સ્તરે આ ખતરો હવે ‘હાઈ’ માંથી અપગ્રેડ કરીને ‘વેરી હાઈ’ જાહેર કરવામાં આવ્યો છે.” આ વાયરસ હવે કોંગોની સરહદ વટાવીને પાડોશી દેશ યુગાન્ડા સુધી પણ ફેલાઈ ચૂક્યો છે, જેના કારણે પ્રાદેશિક સ્તરે પણ એલર્ટ જાહેર કરાયું છે.
આફ્રિકા રોગ નિયંત્રણ કેન્દ્ર અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સંક્રમણની સાંકળ તોડવા માટે યુદ્ધના ધોરણે કડક પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યા છે. રોગચાળો વ્યાપક સ્તરે ન ફેલાય તે માટે કોઈપણ જગ્યાએ 50 થી વધુ લોકોના ભેગા થવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે. ઇબોલા સંક્રમિત વ્યક્તિના મૃતદેહથી ચેપ ફેલાવવાનું જોખમ સૌથી વધુ હોય છે. આથી, અંતિમ સંસ્કારની વિધિમાં માત્ર ગણતરીના સગા-સંબંધીઓને જ હાજર રહેવા અને કડક તબીબી પ્રોટોકોલનું પાલન કરવાની સૂચના અપાઈ છે. તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઇબોલાના આ વિશિષ્ટ ‘બુન્ડીબુગ્યો’ સ્ટ્રેઇન માટે હાલમાં કોઈ પ્રમાણિત રસી કે ચોક્કસ ઇલાજ ઉપલબ્ધ નથી, જે વૈશ્વિક આરોગ્ય સંસ્થાઓ માટે સૌથી મોટો પડકાર છે.
આફ્રિકામાં વજ્રઘાત સમાન બનેલી આ સ્થિતિને પગલે ભારત સરકાર પણ સફાળી જાગી છે. કેન્દ્ર સરકારે અગમચેતીના ભાગરૂપે દેશની તમામ સંબંધિત આરોગ્ય એજન્સીઓ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ અને પોર્ટ ઓથોરિટીઝને સતર્ક રહેવા આદેશ આપ્યા છે. આફ્રિકન દેશોમાંથી આવતા મુસાફરો પર ખાસ દેખરેખ રાખવા અને કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વૈશ્વિક સ્તરે ભારત માટે જોખમ ઘણું ઓછું હોવા છતાં, સરકારે સુરક્ષામાં કોઈ કચાસ ન રાખવાની સૂચના આપી છે.

