નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના જલંધર ઝોને કુખ્યાત ‘ડંકી’ રૂટ મારફતે ગેરકાયદેસર રીતે લોકોને અમેરિકા મોકલતા મોટા માનવ તસ્કરી રેકેટ પર સકંજો કસ્યો છે. EDએ કાર્યવાહી કરતા આ કૌભાંડમાં સામેલ ત્રણ એજન્ટોની અંદાજે 5.41 કરોડ રૂપિયાની જંગમ અને સ્થાવર મિલકતો ટાંચમાં લીધી છે.
EDના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ, જપ્ત કરાયેલી સંપત્તિઓમાં ખેતીની જમીન, રહેણાંક અને કોમર્શિયલ મકાનો તેમજ આરોપી એજન્ટો અને તેમના પરિવારજનોના નામે રહેલા બેંક ખાતાઓનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી હરિયાણાના રહેવાસી એવા ત્રણ મુખ્ય એજન્ટો શુભમ શર્મા, જગજીત સિંહ અને સુરમુખ સિંહ સામે કરવામાં આવી છે. આ ત્રણેય લાંબા સમયથી ડંકી રૂટના નેટવર્કમાં સક્રિય હતા અને ગુનાહિત પ્રવૃત્તિઓથી આ સંપત્તિ ઉભી કરી હોવાનું બહાર આવ્યું છે.
તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે આ એજન્ટો યુવાનોને ટાર્ગેટ કરતા હતા. તેઓ લોકોને કાયદેસર રીતે અમેરિકા મોકલવાના ખોટા વચનો આપી, મોટી રકમ વસૂલતા હતા. હકીકતમાં, તેઓ ગ્રાહકોને દક્ષિણ અમેરિકન દેશોના ખતરનાક અને જંગલોના રસ્તે લઈ જઈ, છેલ્લે અમેરિકા-મેક્સિકો બોર્ડર ગેરકાયદેસર રીતે પાર કરાવતા હતા. EDએ નોંધ્યું છે કે મુસાફરી દરમિયાન પીડિતોને યાતનાઓ અપાતી, બળજબરી કરવામાં આવતી અને ગેરકાયદે કામો માટે મજબૂર પણ કરવામાં આવતા હતા.
ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2025માં અમેરિકા સરકારે ત્યાં ગેરકાયદે ઘૂસેલા 330 ભારતીય નાગરિકોને ડિપોર્ટ (દેશનિકાલ) કર્યા હતા. આ ઘટના બાદ પંજાબ અને હરિયાણા પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને ઇમિગ્રેશન એક્ટ હેઠળ અનેક FIR નોંધી હતી, જેના આધારે EDએ મની લોન્ડરિંગ હેઠળ તપાસ હાથ ધરી હતી. જુલાઈ મહિનામાં EDએ પંજાબ અને હરિયાણામાં 19 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં નકલી ઈમિગ્રેશન સ્ટેમ્પ, બનાવટી વિઝા અને વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા. હાલ આ મામલે વધુ તપાસ ચાલુ છે.

