Site icon Revoi.in

વિશ્વની ટોચની 50 મેનેજમેન્ટ સંસ્થાઓમાં IIM અમદાવાદ, બેંગ્લોર, કોલકાત્તાનો સમાવેશ

Social Share

ભારતની શૈક્ષણિક સંસ્થાઓએ વૈશ્વિક સ્તરે ડંકો વગાડ્યો છે. વિશ્વની 114 મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, જેમાં IIM અમદાવાદ, બેંગ્લોર અને કોલકાત્તાનો ટોચની 50 સંસ્થાઓમાં સમાવેશ કરાયો હતો. આ સંસ્થાઓ વિવિધ માપદંડોમાં ખરી ઉતરી હતી.

પ્રાપ્ત અહેવાલ અનુસાર બિઝનેસ-મેનેજમેન્ટ સંસ્થાઓને રેન્કિંગ આપવા માટે વિવિધ 17 માપદંડો ગણતરીમાં લેવાય છે. કોર્સમાં ગર્લ સ્ટૂડન્ટ્સની સંખ્યા, સ્ટાફમાં મહિલા પ્રોફેસરની સંખ્યા, પગારધોરણ, ઓવરઓલ પ્રોગ્રેસ, પીએચડી થનારા વિદ્યાર્થીઓ, મલ્ટિનેશનલ સ્તરે કાર્યરતા વિદ્યાર્થીઓ, આંતરરાષ્ટ્રીય અનુભવ જેવા ધારાધોરણો પરથી એફટીના નિષ્ણાંતો વિશ્વભરની સંસ્થાઓને રેન્કિંગ આપે છે.

સંસ્થાઓના રેન્કિંગ વિશે વાત કરવામાં આવે તો આ રેન્કિંગમાં બે વર્ષના માસ્ટર્સ પ્રોગ્રામને ધ્યાનમાં લેવાયો હતો. IIM અમદાવાદને આ યાદીમાં 20મો ક્રમ મળ્યો હતો. ગત વર્ષે IIM અમદાવાદ 21માં ક્રમે હતી. ઇન્સ્ટિટ્યૂટના રેન્કિંગમાં 1 ક્રમનો સુધારો થયો હતો. IIM કલકત્તાને 21મો રેન્ક મળ્યો હતો. ગત વર્ષે 17મો ક્રમ હતો. IIM કલકત્તાના રેન્કિંગમાં ચાર ક્રમનો ફેરફાર થયો હતો.  S P જૈન ઇન્સ્ટિટ્યૂટને ઑફ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચને આ યાદીમાં 36મો ક્રમાંક પ્રાપ્ત થયો છે.

મહત્વનું છે કે, દેશની આ એક માત્ર ખાનગી મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે જેને આ રેન્કિંગ પ્રાપ્ત થયું હતું. IIM બેંગ્લોરને 36મો ક્રમ મળ્યો હતો. ગત વર્ષે આ સંસ્થા 44માં ક્રમે હતી. ટોચની 100 સંસ્થાઓમાં IIM ઉદયપુરનો 72માં ક્રમે સમાવેશ થયો હતો. દુનિયાભરની 114 મેનેજમેન્ટ કોલેજનું વિશ્લેષણ થયું હતું.

(સંકેત)