Site icon Revoi.in

સિદ્ધપુરના ફુલપરા વિસ્તારની પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાતા શિક્ષણકાર્ય બંધ

Social Share

પાટણઃ તાજેતરમાં પાટણ જિલ્લામાં સરેરાશ ચારથી પાંચ ઈંચ વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જેમાં  સિધ્ધપુર શહેરમાં ફૂલપુરા વિસ્તારમાં આવેલી ફૂલપુરા પ્રાથમિક શાળામાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ જતા શિક્ષણકાર્ય બંધ રાખવાની ફરજ પડી હતી.આજે પણ શાળાના મેદાનમાં પાણી ભરાયેલા છે. અને વિદ્યાર્થીઓ ઘુંટણસમા પાણીમાંચાલીને વર્ગખંડમાં જઈ શકે તેવી સ્થિતિ નથી. આથી શિક્ષણ કાર્ય ઠપ થઈ ગયું છે.

સિધ્ધપુરમાં  ફૂલપુરા વિસ્તારની ફૂલપુરા પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં હજુ બેથી ત્રણ ફુટ પાણી ભરાયેલા છે. પાણીનો નિકાલ કરી શકાય તેવી સ્થિતિ નથી. જેને લઇને બાળકોની સુરક્ષાને ધ્યાને રાખીને શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું છે. ફૂલપુરા પ્રાથમિક શાળા નીચાણવાળા વિસ્તારમાં આવેલી છે જેથી દર ચોમાસામાં આવી સ્થિતિ જોવા મળે છે.  જો કે શાળાને ઉંચી લેવા માટે શાળા તરફથી અનેકવાર સરકાર તેમજ તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાંય તંત્ર કે સરકાર કોઇ ઘટનાની રાહ જોઇ રહ્યું હોય તેમ લાગે છે. એવુ નથી કે સિધ્ધપુરની આ એક જ શાળા નીચાણવાળા વિસ્તારમાં છે અન્ય કેટલીક શાળાઓ નીચાણવાળા વિસ્તારોમાં હતી જે ઉંચી લેવામાં આવી છે જ્યારે આ શાળા તરફ ઓરમાયુ વર્તન રાખવામાં આવતુ હોવાનો સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે. શાળા જળમગ્ન થતાં બાળકોના શિક્ષણની સાથે સાથે જીવ પણ જોખમમાં છે ત્યારે તંત્ર તેમજ સરકારે તાત્કાલિક શાળાને ઉંચી કરવા શિક્ષકો અને વાલીઓમાં માંગ ઊઠી છે.