Site icon Revoi.in

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મોટાભાગની ગ્રામ પંચાયત સમરસ બને તેવા પ્રયાસો કરાશેઃ બ્રિજેશ મેરજા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસનું ભારે ધોવાણ થયું હતું. હવે આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જો કે, તે પહેલા રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. મોટાભાગની ગ્રામ પંચાયત સમરસ બને તે દિશામાં કામગીરી કરવામાં આવશે. તેમ રાજ્યના કેબિનેટ મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું.

પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ પંચાયત પસંદગી બોર્ડના સભ્યો સાથે મુલાકાત કરી પંચાયત સેવા પસંદગી બોર્ડની કામગીરીની સમિક્ષા કરી હતી. આ પ્રસંગ્રે તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દરેક મંત્રીઓને પોતાના વિભાગનો 100 દિવસનો ક્રાર્યક્રમ તૈયાર કરવા જણાવ્યું છે તે મુજબની કામગીરી શરૂ કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી ડિસેમ્બરમાં ગ્રામ પંચાયતની ચુંટણીઓ આવી રહી છે તેમા મોટા ભાગની ગ્રામ પંચાયત સમરસ બને તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે. તાજેતરમા મળેલી કેબિનેટ બેઠકમાં યુવાનોના હિતમાં મુખ્યમંત્રી દ્વારા નિર્ણય લઇને નોકરી માટે એક વર્ષની છુટછાટ આપી છે. જેથી અનેક યુવાનોને નોકરી માટે પ્રયત્ન કરવાની તક મળશે. આગામી સમયમાં અનેક વિભાગોમાં પડેલી ખાલી જગ્યાઓ ભરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની અત્યારથી જ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સંગઠનને વધારે મજબુત કરવાની દિશામાં કામગીરી શરૂ કરી છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાવવાનો પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે દાવો કર્યો હતો.