Site icon Revoi.in

નિર્ભયા ગેંગરેપ પ્રકરણને આઠ વર્ષ પૂર્ણ, આજે પણ નથી ભૂલ્યા લોકો એ ઘટના

Social Share

દિલ્લી: આજે નિર્ભયા ગેંગરેપને આઠ વર્ષ પૂરા થયા છે. દિલ્હીના મુનીરકામાં 16 ડિસેમ્બર 2012ની રાત્રે રસ્તા પર દોડતી બસમાં એક જિંદગી ચીસ પાડતી હતી… અને તે હવસખોરો પાસે પોતાનો જીવ બચાવવા વિનંતી કરી રહી હતી, પરંતુ તે 6 નરાધમોને તેના પર દયા જ ન આવી. તે નરાધમોએ એવું કાંડ કર્યું કે જેના કારણે આખું વિશ્વ રડી પડ્યું.

તે યુવતી સાથે આ 6 નરાધમોએ ચાલતી બસમાં દુષ્કર્મ આચર્યું હતું. આ વાત સાંભળીને દેશભરના લોકો હચમચી ઉઠ્યા. નરાધમોએ તે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું અને પછી તેને નિવસ્ત્ર હાલતમાં ચાલતી બસમાંથી નીચે ફેંકી દીધી હતી.

ઘટના દરમિયાન પીડિતાનો મિત્ર પણ બસમાં હતો. નરાધમોએ તેના પર પણ હુમલો કર્યો હતો અને બસમાંથી બહાર ફેંકી દીધો હતો. ત્યારબાદ પીડિતાને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યારે ડોક્ટરે નિર્ભયાની હાલત જોઇને તો તે પણ રડી પડ્યા. તેમનું કહેવું હતું કે, આજ દિવસ સુધી તેમણે હેવાનિયતની આ પ્રકારની તસ્વીર ક્યારેય જોઈ નથી. નિર્ભયાની હાલત જોઈને તેની આત્મા પણ કંપી ઉઠી.

સારવાર ચાલી, પરંતુ હાલતમાં કોઈ સુધારો ન દેખાતા તેને 29 ડિસેમ્બર 2012ના રોજ સિંગાપોર મોકલવામાં આવી હતી. ત્યાં સારવાર દરમિયાન પીડિતા જિંદગીની જંગ હારી ગઈ. 29 ડિસેમ્બરે નિર્ભયાએ રાત્રે લગભગ 2.15 વાગ્યે નિધન થયું હતું. પીડિતાની માતાએ જણાવ્યું કે, તે અંત સુધી જીવવા માંગતી હતી.

18 ડિસેમ્બર 2012ના રોજ દિલ્હી પોલીસે ચારેય દોષીઓ રામસિંહ, મુકેશ,વિનય શર્મા અને પવન ગુપ્તાની ધરપકડ કરી હતી. 21 ડિસેમ્બરે આ કેસમાં સગીરને દિલ્હીથી અને છઠ્ઠા આરોપી અક્ષય ઠાકુરને બિહારથી ધરપકડ કરવામાં આવી હતી.

આ કેસમાં છ દોષિતોમાંથી ચાર મુકેશસિંહ,પવન ગુપ્તા,વિનય શર્મા અને અક્ષય કુમાર સિંહને આ વર્ષે 20 માર્ચની સવારે ફાંસી આપવામાં આવી હતી. સુનાવણી શરૂ થયા બાદ આરોપી રામસિંહે જેલમાં આત્મહત્યા કરી હતી. તો, સગીર આરોપીને ત્રણ વર્ષની સજા બાદ 2015માં સુધાર ગૃહથી મુક્ત કરવામાં આવ્યો હતો.

નિર્ભયા ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો એવુ ઈચ્છી રહ્યા છે કે નારી સંરક્ષણ માટે વધારે કડક કાયદા કાનૂન બનાવવામાં આવે અને સ્ત્રીઓએ પણ હવે પોતાની સુરક્ષા કરતા શીખવુ પડશે. દુનિયામાં કોઈ પણ ખુણામાં સ્ત્રી વિરુદ્ધ અત્યાચાર અને ગુનાહીત પ્રવૃતિઓ ત્યારે જ બંધ થશે જ્યારે સ્ત્રીઓ પણ તેનો યોગ્ય જવાબ આપતી થશે.

-દેવાંશી