નવીદિલ્હીઃ ભારતીય ચૂંટણી પંચે શિવસેનાના ચિહ્ન પર પ્રતિબંધ લગાવ્યો છે. જેને લઇને આગામી અંધેરી પૂર્વ પેટાચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરે અને શિંદે જૂથમાંથી કોઈને પણ શિવસેનાના ‘ધનુષ અને તીર’ના ચિહ્નનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં નહી આવે, એટલે ચૂંટણી પંચ બીજો નિર્ણય ન કરે ત્યાં સુધી આગામી ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે કે શિંદે શિવસેના પક્ષના ધનુષ અને તીરનો ઉપયોગ કરી શકશે નહીં.
ભારતીય ચૂંટણી પંચે બન્ને જૂથોને 10મા ઓક્ટોબરને સોમવારે બપોરે 1 વાગ્યા સુધી પોતપોતાના ચૂંટણી ચિહ્ન રજૂ કરવા પડશે. બન્ને પક્ષ ફ્રી સિમ્બલ્સમાંથી પોતાની પસંદગી પ્રાથમિકતાના આધારે બતાવી શકશે. 8 ઓક્ટોબરે જાહેર કરવામાં આવેલા પોતાના આદેશમાં ચૂંટણી પંચે કહ્યું કે, શિવસેના ધનુષ અને તીર ચૂંટણી ચિહ્નની સાથે મહારાષ્ટ્રમાં એક માન્યતા પ્રાપ્ત રાજ્ય પાર્ટી છે. શિવસેનાના બંધારણની જોગવાઈઓ અનુસાર ટોચના સ્તરે પાર્ટીમાં એક પ્રમુખ અને રાષ્ટ્રીય કાર્યકારી છે. એનો મતલબ એ થયો કે હવે બન્ને જૂથ આ ચિહ્નનો ઉપયોગ નહીં કરી શકે. સાથે જ ચૂંટણી પંચે શિવસેનાના નામનો ઉપયોગ કરવા પર પણ રોક લગાવી દીધી છે. એટલે બન્ને જૂથ આગામી ચૂંટણીમાં શિવસેના પાર્ટીના નામનો પણ પ્રયોગ નહીં કરી શકે.
વુધમાં ચૂંટણીપંચે ઉમેર્યું હતું કે, 25 જૂન 2022ના રોજ ઉદ્ધવ ઠાકરે તરફથી અનિલ દેસાઈએ આયોગને એકનાથ શિંદેના નેતૃત્વમાં કેટલાક ધારાસભ્યો પાર્ટી વિરોધી ગતિવિધિઓ અંગે જાણ કરી હતી. તેમણે શિવસેના અથવા બાલા સાહેબના નામનો ઉપયોગ કરીને કોઈ પણ રાજકીય પાર્ટીની સ્થાપના માટે અગાઉથી જ વાંધો દર્શાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે. કે, શિવસેનાના ચિહ્નને લઇને ટીમ ઉદ્ધવ ઠાકરે અને ટીમ શિંદે વચ્ચે કેટલાક મહિનાથી સંઘર્ષ ચાલી રહ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ જ્યાં આને પોતાના પિતાની પાર્ટી બતાવીને આના પર પોતાનો દાવો કરી રહ્યા હતા ત્યારે મુખ્યમંત્રી શિંદેનું કહ્યું હતું કે, લોકશાહીમાં પાર્ટી તેની જ હોય છે જેની પાસે બહુમતિ હોય છે. જોકે બહુમતિનો આંકડો અમારી પાસે છે. પરંતુ હવે ચૂંટણી પંચના આ એલાન બાદ બન્ને પક્ષ પાર્ટીના નામ અને ચિહ્નના ઉપયોગથી વંચિત કરી દેવાયા છે.