Site icon Revoi.in

કાશ્મીરમાં 24 કલાકમાં ચાર એન્કાઉન્ટર, લશ્કરે તૈયબાના આતંકી અલી સહીત પાંચ ટેરરિસ્ટ ઠાર

Social Share

જમ્મુ-કાશ્મીરમાં ગત 24 કલાકમાં આતંકવાદીઓ સાથે અથડામણની ચાર ઘટનાઓ સામે આવી છે. તાજેતરનું એન્કાઉન્ટર શોપિયાં જિલ્લાના ઈમામ સાહેબ ખાતે શરૂ થયું છે. માનવામાં આવે છે કે બેથી ત્રણ આતંકવાદીઓ એક માકાનમાં છૂપાયેલા છે. બાંદીપોરામાં અથડામણ દરમિયાન લશ્કરે તૈયબાના બે આતંકીઓ ઠાર થયા છે. આ એન્કાઉન્ટરમાં લશ્કરે તૈયબાનો ટોચનો કમાન્ડર અલીભાઈ પણ સામેલ છે.

તો બારામુલ્લા જિલ્લામાં ગુરુવારે થયેલી અથડામણમાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ સિવાય શોપિયાં એન્કાઉન્ટરમાં પણ એક આતંકી ઠાર થયો છે. આ ચારેય અથડામણોમાં અત્યાર સુધીમાં પાંચ આતંકવાદીઓ ઠાર થયા છે. જો કે આ કાર્યવાહી દરમિયાન એક અધિકારી સહીત ત્રણ સૈન્યકર્મીઓ ઈજાગ્રસ્ત થયાના પણ અહેવાલ છે.

લશ્કરે તૈયબાનો આતંકવાદી અલીભાઈ પાકિસ્તાની હતો. શ્રીનગર ખાતે સંરક્ષણ પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ જણાવ્યુ છે કે બારામૂલાના કલંતરા વિસ્તારમાં નમબલનાર અભિયાનમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યુ છે કે અથડામણ હજીપણ ચાલુ છે. કર્નલ કાલિયાએ કહ્યુ છે કે અભિયાનમાં એક અધિકારી અને બે જવાનો ઘાયલ થયા છે.

ઘાયલ જવાનોને અહીં બાદામીબાગ છાવણી ખાતેની સેનાની 92 બેસ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. સુરક્ષાદળોએ આતંકવાદીઓની હાજરીની માહિતીના આધારે દિવસે આખા વિસ્તારની ઘેરાબંધી કરી હતી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યુ છે કે આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો અને તેની સામેની વળતી કાર્યવાહી દરમિયાન અથડામણ શરૂ થઈ હતી.

બારામુલ્લામાં હોળીના દિવસે આતંકવાદીઓએ સર્ચ ઓપરેશન દરમિયાન ગ્રેનેડ હુમલો કર્યો હતો. તેની થોડી જ મિનિટોની અંદર સોપોર કસબામાં પણ આતંકવાદીઓએ સીઆરપીએફના એક કેમ્પ પર હુમલો કર્યો હતો. પરંતુ અહીં કરવામાં આવેલા ગ્રેનેડ એટેકમાં કોઈપણ જાનહાનિના અહેવાલ નથી. હુમલા બાદ આખા વિસ્તારની સુરક્ષાને વધારવામાં આવી છે.

પોલીસે જણાવ્યું છે કે કેટલાક આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સીઆરપીએફ અને પોલીસે વારપોરા વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.