Site icon Revoi.in

ઔદ્યોગિક શ્રમિકો માટે મહેસાણા, હાલોલ અને મોરબીમાં ESIC નવી હોસ્પિટલ શરૂ કરશે

Social Share

અમદાવાદઃ રાજ્યના જે શહેરોમાં ઔદ્યોગિક શ્રમિકો વધારે છે, અને તેવા શહેરોમાં ઈએસઆઈસીની હોસ્પિટલ ન હોય તેવા શહેરોમાં ઈએસઆઈસીની હોસ્પિટલ શરૂ કરવાનો નિર્ણય લેવાયા બાદ હવે એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (ઈએસઆઈસી)એ મહેસાણા, હાલોલ (પંચમહાલ) અને મોરબી ખાતે નવી હોસ્પિટલો શરૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. જ્યારે અમદાવાદમાં ચાંગોદર, સાણંદની આસપાસના વિસ્તારોમાં અનેક નવા ઉદ્યોગો શરૂ થતા ઈએસઆઈસીએ સાણંદ ખાતે પણ નવી હોસ્પિટલ શરૂ કરવાની વિચારણા હાથ ધરી છે. આ વિસ્તારના શ્રમિકોને વધુ સારવાર માટે બાપુનગર હોસ્પિટલ સુધી લાંબા ન થવું પડે તે માટે જુદા જુદા શહેરોમાં હોસ્પિટલ બનાવવાનું આયોજન છે.

રાજ્યમાં ઔદ્યોગિક શ્રમિકોને યોગ્ય સારવાર મળી રહે તે માટે એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (ઈએસઆઈસી)એ જ્યાં શ્રમિકો વધુ કામ કરતા હોય તેવા સ્થળોએ હોસ્પિટલ બનાવવાનો નિર્ણય લીધે છે. આથી મહેસાણા,મોરબી, અને હાલોલમાં ઈએસઆઈસીની હોસ્પિટલો બનાવવામાં આવશે. ઈએસઆઈસી ગુજરાતની રિજિયોનલ બોર્ડ મીટિંગ રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં નવી હોસ્પિટલો શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. વધુમાં આ હોસ્પિટલો ઝડપથી શરૂ થાય તે માટે અધિકારીઓને જરૂરી સૂચના પણ આપી હતી. વધુમાં અમદાવાદના સાણંદ, ચાંગોદર સહિત આસપાસના વિસ્તારોમાં ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ થતાં ત્યાં પણ હોસ્પિટલ શરૂ કરવાની રાજ્ય-કેન્દ્ર સરકારના અધિકારીઓએ સંમતિ દર્શાવી હતી. અમદાવાદમાં બાપુનગરમાં ઈએસઆઈસીની હોસ્પિટલ કાર્યરત છે. શ્રમિકોને આ હોસ્પિટલમાં સારવાર માટે દુર દુરથી આવવું પડે છે. એટલે જ્યાં શ્રમિકો વધુ હોય તેવા શહેરોમાં ઈએસઆઈસીની હોસ્પિટલો તબક્કાવાર શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.