Site icon Revoi.in

વિદેશ મંત્રી જયશંકરે પેલેસ્ટાઈનના વડાપ્રધાન સાથે કરી વાતચીત,ગાઝા અને પશ્ચિમ કાંઠાની સ્થિતિ પર થઈ ચર્ચા

Social Share

દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા બે મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં 16 હજારથી વધુ લોકોના મોત થયા છે. આ દરમિયાન ભારતના વિદેશ મંત્રીએ પેલેસ્ટાઈનના વડાપ્રધાન સાથે વાત કરી હતી. બંને નેતાઓએ વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી. 7 ઓક્ટોબરે હમાસ દ્વારા ઈઝરાયેલ પર પાંચ હજાર રોકેટ છોડવામાં આવ્યા હતા, જે બાદ સતત યુદ્ધ ચાલી રહ્યું છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે પેલેસ્ટાઈનના વડાપ્રધાન મોહમ્મદ શતયેહ સાથે ટેલિફોન પર વાત કરી હતી. તેમણે ગાઝા અને પશ્ચિમ કાંઠાની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા. જયશંકરે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે અમે વાતચીત દરમિયાન ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી.અમે પેલેસ્ટાઈન મુદ્દે ભારતની સ્થિતિનું પુનરાવર્તન કર્યું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ 12 ઓક્ટોબરે જારી કરેલી પ્રેસ રિલીઝમાં કહ્યું હતું કે પેલેસ્ટાઈન મુદ્દે ભારતનું વલણ લાંબા સમયથી અને સુસંગત રહ્યું છે. બાગચીએ કહ્યું હતું કે ભારતે હંમેશા પેલેસ્ટાઈનને ઈઝરાયલ સાથે શાંતિથી તેની સુરક્ષિત અને માન્ય સરહદોની અંદર એક સાર્વભૌમ અને સ્વતંત્ર રાજ્ય રહેવાની હિમાયત કરી છે.

જયશંકરે અગાઉ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્ટોબરમાં પેલેસ્ટાઈન ઓથોરિટીના પ્રમુખ મહમૂદ અબ્બાસ સાથે વાત કરી હતી અને ગાઝાની અલ અહલી હોસ્પિટલમાં લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ ઈઝરાયેલ-પેલેસ્ટાઈન મુદ્દે ભારતની સ્થિતિનો પુનરોચ્ચાર કર્યો અને ગાઝામાં માનવતાવાદી સહાય શરૂ કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.