Site icon Revoi.in

કોરોનાને લીધે ગોંડલ યાર્ડ બંધ કરાતા 40 હજાર ગૂંણી મરચા બગડી જવાનો ભય

Social Share

રાજકોટઃ કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટયાર્ડ બંધ કરી દેવાયા છે. જેમાં ગોંડલના માર્કેટ યાર્ડમાં હરાજી સહિતના કામકાજ બંધ છે. જો કે હરાજીનું કામકાજ બંધ રહેતા યાર્ડમાં અગાઉ આવેલા મરચાંમાં બગાડ સર્જાવાની ચિંતા સર્જાઇ છે. યાર્ડમાં લગભગ 35થી 40 હજાર ભારી મરચાં ખૂલ્લાં પ્લોટમાં પડ્યા છે. એમાં હવે બગાડ શરું થાય એ પૂર્વે ખેડૂતો પરત લઇ જાય એવી અપીલ યાર્ડ દ્વારા કરવામાં આવી છે.
ગોંડલ માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યુ હતું કે,, યાર્ડના કર્મચારીઓ, વેપારીઓ અને કમિશન એજન્ટોમાં પણ સંક્રમણ ફેલાઇ ગયું છે. પરિણામે હવે યાર્ડ ક્યારે શરું થશે એ નક્કી થતું નથી. આ સ્થિતિમાં હવે યાર્ડમાં પડેલા મરચાંની ચિંતા થઇ રહી છે. યાર્ડમાં મરચાંની એકસાથે આવક કરી દેવામાં આવે છે. છેલ્લે આવક થઇ એમાંથી 35થી 40 હજાર ભારી પડેલી છે. મરચાં યાર્ડમાં ખૂલ્લાં પ્લોટમાં ઉતારવામાં આવે છે. મરચાં જો યાર્ડમાં 20-25 દિવસ ખૂલ્લાંમાં પડ્યા રહે તો તેમાં બગાડ સર્જાવાનો પૂરો ભય છે. યાર્ડમાં પડેલા મરચાંને પંદર કરતા વધારે દિવસ થઇ ચૂક્યાં છે એટલે હવે  ખેડૂતોને માલ પરત લઇ જવા અપિલ કરવામાં આવી છે. મરચાની ભારીઓને ગોદામ કે મરચાં સાચવવાની છાંયડાવાળી જગ્યા હોય ત્યાં સુરક્ષિત મૂકી દેવા જોઇએ. મરચાંના દલાલો હાજર નથી. ખરીદનાર કોઇ ડોકાતા નથી. માર્કેટ સાવ શાંત થઇ ગઇ છે. બહારગામની પણ ઘરાકી નથી પરિણામે મરચાંનો કોઇ રીતે નિકાલ થઇ શકે એમ નથી. બીજી તરફ યાર્ડમાં અત્યારે હરાજીની વ્યવસ્થા બંધ કરાઇ છે. છતાં ખેડૂતો યાર્ડ બહાર માલ લઇને આવે છે.