Site icon Revoi.in

અમદાવાદને કોરોનાથી થોડી રાહત, કોવિડની ખાનગી હોસ્પિટલોમાં થયા 53 ટકા બેડ ખાલી

Social Share

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાવાયરસના સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાં નોંધવામાં આવ્યા છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોરોનાવાયરસના કેસ ઓછા નોંધાતા અમદાવાદની પ્રજાએ રાહતનો શ્વાસ લીધો છે.

અમદાવાદમાં કોરોનાવાયરસની સારવાર કરતી ખાનગી હોસ્પિટલોમાં 53 ટકા બેડ ખાલી જોવા મળ્યા છે. હાલમાં શહેરમાં કોવિડ કેર હોસ્પિટલોના 3747 બેડમાંથી 1756 બેડ પર કોરોનાના દર્દી સારવાર લઇ રહ્યા છે, જયારે 1991 બેડ ખાલી છે.

ખાસ કરીને વેન્ટિલેટર વિનાના આઇસીયુમાં 52 ટકા અને વેન્ટિલેટરવાળા આઇસીયુના 56 ટકા બેડ ખાલી છે. જો કે, હાલમાં એચડીયુમાં સૌથી વધુ 713 દર્દી સારવાર હેઠળ છે.

જાણકારોના કહેવા મુજબ અમદાવાદમાં જૂનથી ડિસેમ્બર સુધીમાં પહેલીવાર આહના સાથે સંકળાયેલી કોવિડ હોસ્પિટલમાં ભરેલા કરતાં ખાલી બેડની સંખ્યા વધી છે. હાલ 53 ટકા બેડ ખાલી છે. અગાઉ આ હોસ્પિટલોમાં 98 ટકા સુધી બેડ ભરેલા હતા.

દિવાળી બાદ શહેરમાં કોરોના સંક્રમણમાં વધારો થતાં કોવિડ કેરની સારવાર આપતી ખાનગી હોસ્પિટલોમાં આઇસોલેશનથી લઇને વેન્ટિલેટર સાથેના આઇસીયુના 90થી 98 ટકા બેડ ભરાઇ જતાં હોસ્પિટલો હાઉસફુલ થઇ હતી. કોર્પોરેશન દ્વારા કોવિડ કેર હોસ્પિટલોની સંખ્યામાં વધારો કર્યો હતો. શહેરમાં છેલ્લા 24 કલાકમાં 251 કેસ નોંધાયા છે. જ્યારે પાંચ દર્દીના મૃત્યુ થયા છે. કેસની સમીક્ષાને આધારે છેલ્લા 24 કલાકમાં એક પણ વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુકાયો નથી. જ્યારે 20ને કન્ટેઈનમેન્ટમાંથી મુક્ત કરાયા છે.

_Vinayak

Exit mobile version