Site icon Revoi.in

એમેઝોન વિરુદ્ધ નોંધાઈ FIR, હિંદુઓની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ

Social Share

એમેઝોન વિરુદ્ધ નોએડા પોલીસે શુક્રવારે એફઆઇઆર નોંધી લીધી. ફરિયાદ કરનાર વિકાસ મિશ્રા જણાવે છે કે એમેઝોને હિંદુઓની લાગણીઓને ઠેસ પહોંચાડી છે. નોએડાના સેક્ટર 58ના પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ આપી છે. પોલીસનું કહેવું છે કે એમેઝોન વિરુદ્ધ ધર્મના આધારે લોકોમાં દુશ્મની ફેલાવવાના આરોપો હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે.

એમેઝોનની વેબસાઈટ પર હિંદુ દેવતાઓની તસવીરોવાળા ટોયલેટ સીટ કવર અને કાર્પેટ વેચવાનો મામલો સામે આવ્યા પછી લોકોમાં આ વાતને લઈને ઘણો ગુસ્સો છે. ગુરૂવારે સોશિયલ મીડિયા પર ‘બોયકોટ એમેઝોન’નું અભિયાન શરૂ થયું હતું.

ફરિયાદકર્તાઓનું કહેવું છે કે એમેઝોન સતત પોતાની વેબસાઈટ પર એવી પ્રોડક્ટ્સ નાખે છે કે જેનાથી હિંદુઓની લાગણીઓ દુભાય છે. તેનાથી દેશમાં કોઈપણ સમયે સાંપ્રદાયિક તણાવ ફેલાઈ શકે છે. આ માટે એમેઝોન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવવી જોઇએ જેથી આવી ઘટનાઓ વારંવાર ન થાય અને હિંદુઓ ગર્વ અને સન્માન સાથે શાંતિથી રહી શકે.

શુક્રવારે પતંજલિના ફાઉન્ડર બાબા રામદેવે પણ એમેઝોનની નિંદા કરી હતી. તેમણે ટ્વિટ કરીને સવાલ કર્યો હતો કે હંમેશાં ભારતના જ પૂર્વજ દેવી-દેવતાઓનું અપમાન કેમ કરવામાં આવે છે. શું એમેઝોન ઇસ્લામ અને ઇસાઇયતના પવિત્ર ચિત્રોને આ રૂપમાં પ્રસ્તુત કરીને તેમનું અપમાન કરવાનું દુઃસાહસ કરી શકે છે? એમેઝોને માફી માંગવી જોઈએ.

આ મામલે એમેઝોનના પ્રવક્તાએ શુક્રવારે કહ્યું કે તમામ વિક્રેતાઓએ કંપનીની ગાઇડલાઇન્સને ધ્યાનમાં રાખવી જોઈએ. જે આવું નથી કરતા, તેમના પર કાર્યવાહી કરવામાં આવશે. વેબસાઇટ પરથી તેમનું અકાઉન્ટ પણ હટાવી શકાય છે. સાથે જ કહ્યું કે જે પ્રોડક્ટ પર સવાલ ઉઠી રહ્યા છે તેમને સ્ટોરમાંથી હટાવવામાં આવી રહ્યા છે.

2017માં પણ એમેઝોન વિરુદ્ધ મહાત્મા ગાંધીની તસવીરવાળા ફૂટવેર વેચવાની ફરિયાદ મળી હતી. કેનેડામાં ત્રિરંગાની તસવીરવાળા ડોરમેટ વેચવાનો મામલો પણ સામે આવ્યો હતો.