Site icon Revoi.in

શિમલા અને મનાલીમાં સિઝનની પ્રથમ હિમવર્ષા, પ્રવાસીઓમાં ખુશી

Social Share

નવી દિલ્હી, 23 જાન્યુઆરી 2026: હિમાચલ પ્રદેશના પ્રખ્યાત પર્યટન સ્થળો શિમલા અને મનાલીમાં શુક્રવારે આ સિઝનની પ્રથમ હિમવર્ષા થતા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હિમવર્ષાને કારણે રસ્તાઓ, વૃક્ષો અને પહાડો સંપૂર્ણપણે સફેદ ચાદરમાં ઢંકાઈ ગયા છે, જેના કારણે પ્રકૃતિનો નજારો અદભૂત બની ગયો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શિમલા અને તેની આસપાસના વિસ્તારોમાં સવારથી જ હિમવર્ષા શરૂ થઈ ગઈ હતી. શિમલા શહેર માટે આ સિઝનનો પ્રથમ બરફ છે. કુફરી, નારકંડા અને મનાલી જેવા સ્થળોએ પણ બરફના થર જામ્યા છે. પંજાબથી ફરવા આવેલી એક પ્રવાસી નિધિ ગુપ્તાએ જણાવ્યું કે, “અમે આ સફેદ ચાદર જોવા માટે ભગવાનના શુક્રગુજાર છીએ, નજારો સ્વર્ગ જેવો લાગે છે.”

આ હિમવર્ષા માત્ર પર્યટન માટે જ નહીં, પણ સ્થાનિક ખેડૂતો અને સફરજનના બાગાયતદારો માટે પણ રાહતના સમાચાર લઈને આવી છે. છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા લાંબા દુષ્કાળ જેવી સ્થિતિ બાદ થયેલી હિમવર્ષાને કારણે પાકને નવું જીવન મળશે. ખાસ કરીને સફરજનના પાક માટે આ બરફ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

ભારે હિમવર્ષાને કારણે મુશ્કેલીઓ પણ વધી છે. શિમલાથી 10 કિમી દૂર ઢલ્લી પાસે ટ્રાફિક રોકી દેવામાં આવ્યો છે કારણ કે ભારત-તિબેટ રોડ બરફથી ઢંકાઈ ગયો છે. સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ, નારકંડા, જુબ્બલ, કોટખાઈ, રોહડુ અને ચોપાલ જેવા શહેરો તેમજ સમગ્ર કિન્નૌર જિલ્લો અન્ય વિસ્તારોથી કપાઈ ગયો છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રવિવાર સુધી હિમવર્ષા અને વરસાદની સ્થિતિ જળવાઈ રહેશે. આકાશ સ્વચ્છ થયા બાદ લઘુત્તમ તાપમાનમાં ૩ થી ૪ ડિગ્રીનો ધરખમ ઘટાડો થઈ શકે છે, જેના કારણે આગામી દિવસોમાં ઠંડીનું જોર હજુ વધશે.

આ પણ વાંચોઃ જામનગર એરપોર્ટને કસ્ટમર સેટિસ્ફેક્શનમાં દેશભરમાં મળ્યું ચોથુ સ્થાન

Exit mobile version