Site icon Revoi.in

ઉદ્યોગોનું દુષિત પાણી દરિયામાં છોડવાની યોજના રદ કરવા માછીમારી સમાજની CMને રજુઆત

Social Share

ગાંધીનગરઃ સૌરાષ્ટ્રમાં વેરાવળ સહિત નાના બંદરો પર વિકાસના ચાલી રહેલા કામો ગુણવત્તાસભર કરાવવા તેમજ  ઉધોગોનું ગંદું પાણી દરીયામાં છોડવાની યોજના રદ કરવા સહિત માછીમારોને સ્પર્શતા અનેક પ્રશ્નોની માછીમાર સમાજના આગેવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ યોગ્ય નિરાકરણની ખાતરી આપી હતી.

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ ફિશરીઝ મંત્રી રાઘવજી પટેલ, અગ્ર સચિવ કૈલાશનાથન, ફિશરીઝ, મેરીટાઇમ, નાણાં વિભાગના અધિકારીઓની હાજરીમાં રાજ્યના માછીમાર સમાજના આગેવાનો સાથે મહત્વપુર્ણ બેઠક યોજી હતી. જે અંગે માહિતી આપતા ફિશરમેન એસો.ના પ્રમુખ તુલસી ગોહેલએ જણાવ્યું હતું કે, માંગરોળ બંદરનાં ફેઝ-3ના અધુરા કામો સત્વરે શરૂ કરી પૂર્ણ કરવા, ચોરવાડ બંદરે જેટી બનાવવા, વેરાવળ સહિત ગુજરાતના અન્ય બંદરો ઉપર સુવિધા વધારવા ચાલતી વિસ્તૃતિકરણની કામગીરીમાં કવોલીટી સાથે કોઈ બાંધછોડ ન કરી ગુણવત્તાસભર થાય તે મુજબ ભારપૂર્વક રજૂઆત મુખ્યમંત્રીને કરવામાં આવી હતી.

આ ઉપરાંત અમદાવાદ, વડોદરા અને જેતપુરના ઉધોગોમાંથી નિકળતા ગંદા પાણીને પોરબંદરનાં દરીયામાં નિકાલ કરવાની યોજના રદ કરવા,  તેમજ ડીઝલની ખરીદી ઉપર કેન્દ્ર સરકાર પુરસ્કૃત એકસાઈઝ ડયુટી પુનઃ શરૂ કરવી, ફિશીંગની ઓફ સીઝન દરમિયાન માછીમારોને બેકારી ભથ્થુ આપવુ, લાઈન- લાઈટ અને ઘેરા જેવી પધ્ધતિથી કરવામાં આવતી ફીશીંગ ઉપર કાયમી પ્રતિબંધ મુકવો, ફાઈબર હોડીઓનાં વપરાશ માટે પેટ્રોલની ખરીદી ઉપર સહાય ચુકવવા, બંદરો ઉપર જી.એમ.બી. હસ્તકની પડતર જગ્યાઓ માછીમારોને આવાસ માટે ફાળવવા સહિત માછીમારોને સ્પર્શતા અનેક પડતર પ્રશ્નોની વિસ્તૃત રજુઆત કરી હતી. આ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે સંબંધિત અધિકારીઓને મુખ્યમંત્રીએ બેઠકમાં જ સુચનાઓ આપી હતી.

આ બેઠકમાં માંગરોળના વેલજીભાઈ મસાણી, ખીમજીભાઈ પરમાર, મહેન્દ્રભાઈ જુગી, પોરબંદરના મુકેશભાઈ પાંજરી, ચોરવાડના દામોદરભાઈ ચામુડીયા સહિત રાજ્યના માછીમાર સમાજના અગ્રણીઓ હાજર રહી પ્રશ્નોની રજૂઆત કરી હતી.