Site icon Revoi.in

ઈન્ડિગોમાં આંતરિક સમસ્યાઓની કારણે ફ્લાઈટ્સ રદ થઈઃ કેન્દ્રીય મંત્રી

Social Share

નવી દિલ્હી: ઈન્ડિગો એરલાઈન્સમાં સતત ફ્લાઇટ્સ રદ થવાના સંકટને લઈને સરકારે કડક વલણ અપનાવ્યું છે. સંસદના શિયાળુ સત્રમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિન્જારાપુએ રાજ્યસભામાં જણાવ્યું કે, ઈન્ડિગોમાં તાજેતરમાં ફ્લાઈટ્સ રદ થવા પાછળનું કારણ એરલાઈનની આંતરિક સમસ્યાઓ હતી.

મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, સરકાર મુસાફરો, પાયલટો અને ક્રૂની સુરક્ષા સાથે કોઈ સમાધાન કરશે નહીં અને આ વાત તમામ એરલાઈનોને સ્પષ્ટપણે જણાવી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે, ઈન્ડિગોએ પોતાના ક્રૂ મેનેજમેન્ટ અને રોસ્ટરને યોગ્ય રીતે સંભાળવું જોઈતું હતું, પરંતુ આંતરિક જટિલતાઓને કારણે મોટી પરેશાનીઓ ઊભી થઈ. રામ મોહન નાયડુએ સ્વીકાર્યું કે, મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે અને સરકારે આ સ્થિતિને હળવાશથી લીધી નથી.

નાયડુએ કડક ચેતવણી આપતા કહ્યું કે, જો કોઈપણ એરલાઈન તરફથી નિયમોનું ઉલ્લંઘન થશે તો સખત કાર્યવાહી કરવામાં આવશે અને એક એવું ઉદાહરણ પૂરું પાડવામાં આવશે, જેને તમામ એરલાઈન્સ ગંભીરતાથી લે. મંત્રીએ જણાવ્યું કે, ફ્લાઇટ્સમાં વિલંબ અને રદ થવાને કારણે જે મુસાફરોને મુશ્કેલી પડી છે, તેમના માટે કડક નિયમો બનાવવામાં આવેલા છે અને તમામ એરલાઈનોએ તેનું પાલન કરવું જરૂરી છે.

તેમણે જણાવ્યું કે સોફ્ટવેર સંબંધિત મુદ્દાઓની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. એરલાઈન સેક્ટરમાં ટેક્નોલોજીને સતત વધુ સારી બનાવવામાં આવી રહી છે. મંત્રીએ કહ્યું કે સરકારનો લક્ષ્ય છે કે ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં દુનિયાના સૌથી ઉચ્ચ ધોરણો હાંસલ કરવામાં આવે. તેમણે માહિતી આપી કે UDAN યોજના હેઠળ Fly 91, Star Air જેવી અનેક નવી એરલાઈન્સ આવી છે. તેમણે વધુમાં કહ્યું કે આ ભારત માટે એરલાઈન શરૂ કરવાનો ઉત્તમ સમય છે.

 

Exit mobile version