ગીરસોમનાથઃ ગુજરાતમાં વરસાદી માહોલ બરોબરનો જામ્યો છે. જેમાં ગીર સોમનાથ સહિત સોરઠ પંથકના કેટલાક વિસ્તારોમાં જળપ્રલય જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. ગીર સોમનાથના સુત્રાપાડામાં 19 ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. સર્વત્ર મેઘમહેર થતા ગીર સોમનાથના અનેક તાલુકાઓ પાણીમાં ગરકાવ થયા છે. સૂત્રાપાડા તાલુકાના ખેરા ગામ નજીક આવેલો બેઠો પૂલ ભારે વરસાદથી તૂટી પડ્યો હતો. જોકે કોઈ જાનહાનિ થઈ નથી.
ગુજરાતમાં શુક્રવારે સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં 178 તાલુકામાં સામાન્યથી ભારે વરસાદ પડ્યો હતો. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી સમયાંતરે પડી રહેલા ભારે વરસાદથી વિનાશ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સૂત્રાપાડાના ખેરા ગામ નજીક ભારે વરસાદના પાણીના વહેણથી અચાનક પુલ તૂટ્યો હતો. બેઠો પુલ ભારે વરસાદને લીધે તૂટી પડ્યો હતો. તૂટી પડેલો પુલ પાણીના ધસમસતા પ્રવાહમાં વહી ગયો હતો. લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. તેમજ ખેતરો તળાવમાં ફેરવાયા છે. જોકે, સદનસીબે કોઈ જાનહાની નથી થઈ નથી.
જૂનાગઢ જિલ્લામાં બે તાલુકાને બાદ કરતાં સાત તાલુકામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. શુક્રવારે જિલ્લામાં સવારે છ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધીમાં વિસાવદરમાં 4.24, માણાવદર-જૂનાગઢ- મેંદરડા-વંથલીમાં 2 ઈંચથી વધુ વરસાદ વરસી ગયો છે, આથી જિલ્લામાં છવાયેલા વરસાદી માહોલને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદને પગલે જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા ગરનાળામાં પાણી ભરાઈ ગયું હતું. ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલી કાર પાણીમાં ફસાઈ ગઈ હતી. ઉપરાંત મોતીબાગ સર્કલ પાસે ભૂગર્ભ ગટર માટે બનાવેલા ખાડામાં બે એસટી બસ પણ ફસાઈ ગઈ હતી. છેલ્લા થોડા દિવસોથી જૂનાગઢ શહેર અને જિલ્લામાં ઉપર મેઘરાજા મહેરબાન હોય એમ મેઘાવી માહોલ છવાયેલો રહેતો હોવાની સાથે તાલુકાઓમાં અવિરત છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે.