Site icon Revoi.in

ભારત-ફ્રાન્સ-યુએઈ સહકાર પર પેરિસમાં મળેલી બેઠકમાં વિદેશ સચિવ ક્વાત્રાએ ભાગ લીધો

Social Share

દિલ્હીઃ- વિદેશ સચીવ  વિનય મોહન ક્વાત્રા 5 થી 7 ફેબ્રુઆરી દરમિયાન ફ્રાન્સની મુલાકાતે છે. ત્યારે તેમણે પેરિસમાં ત્રિપક્ષીય માળખા હેઠળ સંરક્ષણ, ઉર્જા અને પર્યાવરણના ક્ષેત્રોમાં ભારત, ફ્રાન્સ અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે સહકાર અંગે યોજાયેલી બેઠકમાં ભાગ લીધો હતો. 

ભારત અને ફ્રાન્સે સોમવારે પરમાણુ ઉર્જા, વેપાર અને લોકો વચ્ચેના આદાનપ્રદાન સહિતના વિવિધ ક્ષેત્રોમાં તેમના સહયોગની વ્યાપક સમીક્ષા કરી હતી. પેરિસમાં વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રા અને ફ્રાન્સના વિદેશ મંત્રાલયના સેક્રેટરી જનરલ એની-મેરી ડેસ્કોટ્સ વચ્ચેની વાતચીત દરમિયાન બંને પક્ષોએ સહકારનો સ્ટોક લીધો હતો.

જાણકારી પ્રમાણે ક્વાત્રાએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ત્રણ દેશોના વિદેશ પ્રધાનો દ્વારા શરૂ કરાયેલ ભારત-ફ્રાન્સ-UAE ત્રિપક્ષીય સંવાદની ‘ફોકલ પોઈન્ટ્સ’ બેઠકમાં ભાગ લીધો હતો. ત્રણેય દેશોએ 4 ફેબ્રુઆરીએ ત્રિપક્ષીય માળખા હેઠળ સંરક્ષણ, ઉર્જા અને ટેક્નોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ માટે મહત્વાકાંક્ષી રોડમેપ જાહેર કર્યો હતો.

ત્યાર બાદ વિદેશ પ્રધાનો દ્વારા અપનાવવામાં આવેલા રોડમેપના અનુવર્તી તરીકે, સંરક્ષણ, ઉર્જા અને પર્યાવરણ, નવીનતા અને લોકો-થી-લોકોના આદાન-પ્રદાનના ક્ષેત્રોમાં સહકારને આગળ વધારવા માટે વ્યવહારુ પગલાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.આ સહીત બંને પક્ષોએ આબોહવા પરિવર્તન અને ઊર્જા ક્ષેત્ર સહિત વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે બંને અધિકારીઓએ G20 ના ભારતના પ્રમુખપદ, યુક્રેનમાં સંઘર્ષ અને અફઘાનિસ્તાનમાં સુરક્ષા સ્થિતિ જેવા સમકાલીન મુદ્દાઓ પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. બંને પક્ષોએ દ્વિપક્ષીય સહયોગના મુખ્ય ક્ષેત્રોમાં પ્રગતિની સમીક્ષા કરી, જેમાં બંને દેશો વચ્ચે વિવિધ સંસ્થાકીય સંવાદ મિકેનિઝમ, નાગરિક પરમાણુ ક્ષેત્ર વગેરેનો સમાવેશ થાય છે.