Site icon Revoi.in

વિદેશ અભ્યાસ લોન યોજનાઃ વડોદરાના 302 વિદ્યાર્થીઓ વિદેશમાં ગયા અભ્યાસ અર્થે

Social Share

અમદાવાદઃ અનુસૂચિત જાતિના યુવાઓના સર્વાંગી ઉત્કર્ષ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. વંચિતોના વિકાસના સર્વસ્પર્શી, સર્વગ્રાહી, સર્વસમાવેશક આયોજનને સરકારનો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ વિવિધ કલ્યાણકારી યોજનાઓના પારદર્શી તથા નક્કર અમલીકરણ થકી સુપેરે પાર પાડી રહ્યું છે.  અનુસૂચિત જાતિના તેજસ્વી યુવાઓની સિદ્ધિ તથા સફળતા આડે નબળી આર્થિક પરિસ્થિતિ ન આવે તે માટે રાજ્ય સરકારે તેઓના શમણા સાકાર કરવાનું બીડું ઝડપ્યું છે. અને એટલા માટે જ અનુસૂચિત જાતિના યુવાઓને ઉચ્ચ અભ્યાસમાં આવતા આર્થિક અવરોધોને દૂર કરી રહી છે રાજ્ય સરકારની ‘વિદેશ અભ્યાસ લોન યોજના’. વડોદરામાં આ યોજનાની સિદ્ધિની વાત કરીએ તો, છેલ્લા 22 વર્ષમાં એટલે કે વર્ષ 2000-2002 થી લઈને વર્ષ 2022-23 સુધીમાં અનુસૂચિત જાતિના કુલ 302 વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓએ વિદેશ અભ્યાસ લોન લીધી છે. આ દીકરા/દીકરીઓનું વિદેશમાં અભ્યાસ કરવાનું સપનું કોઈ પણ અવરોધ વગર સાકાર થાય તે માટે રાજ્ય સરકારે કુલ રૂ. 4070 લાખનો ખર્ચ કર્યો છે.

છેલ્લા પાંચ વર્ષમાં વડોદરાના લાભાર્થીઓની વર્ષ વાર આંકડાકીય વાત કરીએ તો, વર્ષ 2022-23 માં  23 વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓને વિદેશ અભ્યાસ મોકલવા અર્થે સરકારે કુલ રૂ. 345 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો. આવી જ રીતે વર્ષ 2021-22 માં 32 વિદ્યાર્થીઓને કુલ રૂ. 480 લાખ, વર્ષ 2020-21 માં 41 વિદ્યાર્થીઓને કુલ રૂ. 615  લાખ, વર્ષ 2019-20 માં 36 વિદ્યાર્થીઓને કુલ રૂ. 525 લાખ તેમજ વર્ષ 2018-19 માં 23 વિદ્યાર્થીઓને કુલ રૂ. 345 લાખની લોન આપીને અનુસૂચિત જાતિના દીકરા/દીકરીઓના વિદેશ અભ્યાસના શમણાને સોનેરી પાંખ આપીને હકીકતમાં તબદીલ કર્યા છે. ધોરણ-12 પછી ડિપ્લોમા/સ્નાતક અથવા સમકક્ષ અભ્યાસક્રમો માટે અથવા સ્નાતક પછી અનુસ્નાતક કક્ષાના અભ્યાસ માટે વિદેશમાં અભ્યાસ માટે મહત્તમ રૂ. 15 લાખની વિદેશ અભ્યાસ લોન રાજ્ય સરકાર આપે છે. જેથી અનુસૂચિત જાતિના તેજસ્વી કારકીર્દી ધરાવતા વિદ્યાર્થીઓ નબળી આથિક પરિસ્થિતિના અવરોધ વિના ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જઈ શકે. વંચિતોના હિતને કેન્દ્રમાં રાખતી રાજ્ય સરકારે વિદેશ અભ્યાસ લોન માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને જટિલ પ્રક્રિયામાંથી પસાર ન થવું પડે તે માટે અનેક સુધારાઓ સાથે નવો ઠરાવ પસાર કરીને સરળતા અને સુગમતાનો માર્ગ મોકળો બનાવ્યો છે.

(Photo-File)