Site icon Revoi.in

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા લોકસભાની બેઠક પરથી પોતાની દાવેદારી પાછી ખેંચી

Social Share

મહેસાણાઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપએ ગુજરાતના 15 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. અને બીજી યાદી પણ પખવાડિયામાં જાહેર કરવામાં આવશે. જેમાં મહેસાણા બેઠકના ઉમેદવારના નામની જાહેરાત હજુ કરવામાં આવી નથી, મહેસાણાની લોકસભાની બેઠક માટે પ્રદેશ ભાજપના અગ્રણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ દાવેદારી નોંધાવી હતી. પણ હવે તેમણે એકાએક દાવેદારી પાછીં ખેચી લીધી છે.

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા લોકસભા બેઠક પરથી પોતાની દાવેદારી પરત ખેંચી લીધી છે. હવે નીતિન પટેલ ચૂંટણી નહીં લડે તો ભાજપ મહેસાણાથી કોને મેદાનમાં ઉતારશે તેને લઈને અટકળોનું બજાર ગરમ બન્યું છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાજકોટ અથવા પોરબંદર બેઠક પર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પણ તેમની ઈચ્છા પણ અધુરી રહી છે. કારણ કે ભાજપે બન્ને બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જો કે ભાજપના કેન્દ્રિય ચૂંટણી સમિતિએ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને અને આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલને ટિકિટ આપી છે.

નીતિન પટેલે ટ્વીટ કરીને લખ્યું હતું કે, મેં મહેસાણા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર તરીકે કેટલાક કારણોસર ઉમેદવારી નોંધાવી હતી. રાજ્યના 15 લોકસભા સીટના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે અને મહેસાણા લોકસભા સીટના ઉમેદવારની પસંદગી પ્રક્રિયા હજુ ચાલી રહી છે. તે પહેલા ભાજપના ઉમેદવાર તરીકે મારી દાવેદારી પરત ખેંચું છું. નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની સમગ્ર દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધુ વધારે અને ભારતમાતા પરમ વૈભવ પ્રાપ્ત કરે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. સર્વે કાર્યકરો, સર્વે શુભેચ્છકો અને સર્વે સાથીદારોનો હું ખૂબ ખૂબ આભાર માનુ છું.

પ્રદેશ ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા દરમિયાન મહેસાણા લોકસભા બેઠક પરથી ઉમેદવાર માટે 20થી વધુ લોકોએ બાયોડેટા આપ્યા હતા. આ દરમિયાન પૂર્વ ગૃહમંત્રી રજની પટેલે પણ લોકસભા માટે ટિકિટ માંગી છે. જેમાં હાલમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષાબેન પટેલે પણ બાયોડેટા આપ્યો છે.  આ પહેલા ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ નીતિન પટેલે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી. નીતિન પટેલે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને એક પત્ર લખીને વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી ન કરવા માટે જણાવ્યું હતું. આ પત્રમાં લખ્યું હતું કે “વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણીમાં હું મહેસાણા બેઠક પરથી ઉમેદવારી કરવા ઇચ્છતો નથી. તેથી પસંદગીમાં મારું નામ વિચારણામાં ન લેવામાં આવે.” એવી વિનંતી કરી હતી.