Site icon Revoi.in

રાજસ્થાનમાં ભારે ધૂમ્મસને કારણે ઉદેપુરની ચાર ફ્લાઈટ અમદાવાદ ડાઈવર્ટ કરાઈ

Social Share

અમદાવાદઃ ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. સાથે ભારે ધુમ્મસને લીધે વિઝીબિલિટી પણ ઘટી ગઈ છે. જેના કારણે વિમાની સેવાને અસર પહોંચી છે.માત્ર રાજસ્થાન જ નહીં પણ ઉત્તર ભારતના તમામ શહેરોમાં ઠંડી અને ભારે ધૂમ્મસને કારણે ટ્રેન અને વિમાની સેવા પ્રભાવિત થઈ છે. એટલે અમદાવાદ આવતી ફ્લાઈટ્સ તેના નિર્ધારિત સમય કરતા મોડી પડી રહી છે. અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર સોમવારે વિઝિબિલિટીને કારણે  19 ફલાઇટોના ટેકઓફ ખોરવાયા હતા. તમામ ફલાઈટો એકથી ચાર કલાક સુધી મોડી પડી હતી. મોડી પડેલી ફલાઈટમાં સૌથી વધુ ઇન્ડિગોની 12 પૈકી ચાર દિલ્હીની ફલાઇટોનો સમાવેશ થાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ઉદેપુર એરપોર્ટ પર ભારે ધૂમ્મસને કારણે એટીસીએ સવારે લેન્ડિંગ ક્લિયરન્સ ન આપતા ચાર ફલાઈટને અમદાવાદ ડાઇવર્ટ કરવામાં આવી હતી જેમાં ત્રણ ઇન્ડિગો અને એક વિસ્તારાની ફલાઇટોનો સમાવેશ થાય છે. આ ચારેય ફલાઇટો અમદાવાદ એરપોર્ટ પર સવારે 9થી 1 વાગ્યા સુધી આવી પહોંચી હતી જેમાં ચારેય ફલાઇટોમાં કુલ 800 પેસેન્જરો સવાર હતા. ઇન્ડિગોની મુંબઇની એક ફલાઇટ ઉદેપુર માટે સવારે 9.30 કલાકે ઉડાન ભર્યા બાદ કેપ્ટનને લેન્ડિંગ ક્લિયરન્સ ન મળતા રિટર્ન કરવી પડી હતી. આમ ત્રણેય ફલાઇટ કલાકો સુધી રાહ જોયા બાદ એરલાઇને જેમને બાયરોડ જવું હતુ તેવા 120 પેસેન્જરોને અમદાવાદથી બસમાં રવાના કર્યા હતા બાકીના ફલાઇટ જ્યાંથી ઉપડી હતી ત્યાં મુંબઇ, દિલ્હી અને હૈદરાબાદ પર ફર્યા હતા. જ્યારે મુંબઇની વિસ્તારાની ડાઇવર્ટ થયેલી ફલાઇટ 200 પેસેન્જરો સાથે અમદાવાદથી 2.40 કલાકે ઉદેપુર જવા રવાના થઇ હતી. (file photo)