Site icon Revoi.in

ગુજરાતમાં તા 1લી મેથી 18 વર્ષથી વધુ વયના લોકોને ફ્રીમાં અપાશે વેક્સિન

Social Share

ગાંધીનગર:   રાજ્યમાં આગામી 1લી મે થી 18 થી 45 વર્ષની વયના લોકો માટે વિના મૂલ્યે કોરોના વેક્સિન અભિયાન માટે રાજ્ય સરકારે 1.50 કરોડ રસીકરણ ડોઝની વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે. મુખ્યપ્રધાન વિજય  રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

રાજ્ય સરકાર  દ્વારા કોરોના વેક્સિન ડોઝ પૂનાની સિરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી  કોવિશિલ્ડ વેક્સિનના એક કરોડ ડોઝ તેમજ હૈદરાબાદની ભારત બાયોટેક પાસેથી કોવેક્સિન રસીના 50 લાખ ડોઝ  મેળવવા માટે ઓર્ડર આપી દેવામાં  આવ્યો છે અને રસી મેળવવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોર કમિટીની બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યુ કે, વડા પ્રધાનના માર્ગદર્શનમાં આગામી તા. 1 મેથી દેશભરમાં 18 થી 45 વર્ષની વયના લોકો માટે કોરોના રસીકરણ શરુ થવાનું છે. તેમાં ગુજરાત દોઢ કરોડ રસીકરણ ડોઝ દ્વારા પોતાનું યોગદાન આપવા પ્રતિબદ્ધ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 6000 જેટલા સરકારી અને ખાનગી રસીકરણ કેન્દ્રો મારફતે  આરોગ્ય કર્મીઓ, ફ્રન્ટ લાઈન વર્કર્સ અને 45 થી વધુની વયના નાગરિકોના રસીકરણમાં ગુજરાત અગ્રેસર છે. અત્યાર સુધીમાં રાજ્યમાં રાજ્યમાં 1 કરોડ 13 લાખ જેટલા વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે.